________________
૧૭૪
ધન્યકુમાર ચરિત્ર આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું બોલનારા, આ બંનેમાંથી કયા ઉપાય વડે સાચા ખોટાનો ભેદ શોધવો ? તેથી
જ્યાં સુધી સાચા ખોટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરવો નહિ.” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે બંનેને ઘરમાં પેસતા રોક્યા, તેથી તે બંને જુદે જુદે સ્થળે રહેતા હંમેશાં સવારે ઉઠીને જુદી જુદી રીતે તેઓ ફ્લેશ કંકાસ કરવા લાગ્યા. હંમેશના કલહથી કંટાળીને લોકોએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું, ‘તમે બંને રાજ્યદ્વારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખોટાનો નિર્ણય તરત જ થઈ જશે.' મહાજને મળીને જ્યારે આમ કહ્યું તેથી તે બંને ધનકર્મા રાજા પાસે ગયા.
લક્ષ્મીપુર નગરના રાજા જિતારી પાસે જઈ તેને નમસ્કાર કરીને તે બંને ધનકર્મા પોતપોતાનું દુઃખ નિવેદન કરીને ઉભા રહ્યા, રાજા પણ પૂર્વની માફક જ સમાન આકૃતિવાળા અને સમાન બોલનારા તે બંનેને જોઈને મૂંઝાયો. એટલે તેણે મંત્રીઓને આદેશ કર્યો કે, “આ બંનેનો ન્યાય કરી આપો.'
મંત્રીઓએ પણ તેઓનો ન્યાય કરવામાં વિવિધ પ્રકારની વચન રચનાઓ વડે તેઓ ભુલાવો ખાઈ જાય તેવા દૃષ્ટાંતો પૂછયા, અનેક પ્રશ્નો પૂછ્યા, વાક્યની રચનાઓ કરી ભયાદિક દેખાડ્યા, પણ તરૂણીના કટાક્ષો નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય તેમ મંત્રીઓના તે સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારે તેઓ પણ વિચારમાં મૂઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બોલ્યા,
સ્વામિન્ ! અમારામાં જેટલો બુદ્ધિનો વિલાસ છે, તેટલો બધોય અમે આ બંનેમાંથી સત્ય અસત્યનો નિર્ણય કરવા માટે વાપર્યો, પણ કોઈ પ્રકારનો નિર્ણય અમે કરી શક્યા નથી. આજ દિવસ સુધી અમે ધરાવેલ અમારી બુદ્ધિનો ગર્વ પણ નિષ્ફળ બન્યો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org