________________
શતાનિકના રાજકારે
૧૦૩ આ સાંભળીને મોટી કૃપા થઈ તેમ કહી ધનસાર પોતાના પુત્ર પણ અત્યારે સ્વામી એવા ધન્યકુમારને ખુશ કરનારા મીઠાં વચનો બોલવા લાગ્યા. સંસારમાં ચાર પ્રસંગો માનવોને ધિક્કારના ગણાય છે. તે આ પ્રમાણે, દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને ક્ષુધાથી પેટનું દુર્બળ થવાપણું, એ ચાર ધિક્કારનાં કારણો છે. જે કોઈ અતિ સ્વચ્છ અંત:કરણવાળો મહાપુરુષ હોય તે પણ સુધાથી દુર્બળ થાય છે, ત્યારે બીજાનું આધીનપણું શોધે છે.
ત્યાર પછી ધન્યકુમાર સર્વ મજૂરોને અને પિતા, બંધુ વગેરેને સવિશેષ સત્કારીને દેવના નિર્દયપણાને અંતઃકરણમાં નિંદતા પોતાના આવાસે આવ્યા. તેમના ગયા પછી બધા મજૂરો ધનસારને કહેવા લાગ્યા કે, “અહો ! તમારા સાનિધ્યથી અમે પણ બહુ સુખી થયા છીએ.” કહ્યું છે કે, “સારા માણસોનો પરિચય લાભદાયી બને છે.”
બીજા દિવસથી ધનસારની આજ્ઞાથી પુત્રવધૂઓ વારાફરતી જળ લેવાને વાદળીઓ જેવી રીતે સમુદ્ર પાસે જાય, તેમ છાશ લેવાને માટે ધન્યકુમારના ઘેર જવા લાગી. ધન્યકુમારની આજ્ઞાથી તેમના પત્ની સૌભાગ્યમંજરી તેમને હંમેશા છાશ આપતી હતી. ભરથારને વશ થયેલ સ્ત્રીનું તે જ કર્તવ્ય છે.
એકવાર ધન્યકુમારે સૌભાગ્યમંજરીને કહ્યું, “હે પ્રિયે ! ત્રણે વહુઓને તારે સજ્જનનાં અંતઃકરણની જેવી સ્વચ્છ, નિર્મળ છાશ દેવી, બહુ જાડી આપવી નહિ, પણ જે દિવસે નાની વહુ છાશ લેવા આવે, તે દિવસે તેને જાડી છાશ તથા દૂધ આપવું, વળી મધુર વચનો વડે તેની સાથે પ્રીતિ કરવી, તેની સાથે કાંઈ પણ ભેદ ગણવો નહિ.” આ રીતનો પતિનો આદેશ પ્રસન્નચિત્તથી સૌભાગ્યમંજરીએ માથે ચઢાવ્યો. તે દિવસથી સરળ હૃદયથી તેણે પતિના આદેશ પ્રમાણે વર્તન કરવા માંડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org