________________
૫૪
શ્રુત ઉપાસક રમણભાઈ મહેનત. પાદરામાં તો બપોરે તડકામાં તળાવે કપડાં ધોવા જતી. અહીં મુંબઇમાં તો ઘરમાં નળમાં પાણી આવે એટલે વાર ન લાગે. નાની હતી અને ઓડમાં ઊંડા કૂવામાંથી પાણી ખેંચતાં દમ નીકળી જતો. કૂવેથી પાણી ભરી લાવવાનું કામ ઓડ અને પાદરામાં બહુ વર્ષો કર્યું છે, એટલે મુંબઇમાં ઘરમાં નળ એ તો અમારે મન સાહ્યબી કહેવાય. વળી પાદરામાં લાકડાં મૂકી, ફૂંક મારી ચૂલો સળગાવવો પડતો. અહીં સગડી અને પ્રાયમસ સળગાવવામાં કેટલી રાહત છે ! (પછીથી ઘરમાં ગેસ આવ્યો ત્યારે તો બા બહુ રાજી થઈ હતી.)
એ દિવસોમાં ઘાટી મહિને એક રૂપિયામાં વાસણ માંજતો અને એક રૂપિયામાં કપડાં ધોતો. પણ એટલા પૈસા બચાવવા બા હાથે વાસણ માંજતા અને કપડાં ધોતા. બામાં ખડતલપણું હતું એટલે સવારથી રાત સુધી દસ માણસની રસોઈ કરવી, બધાંને જમાડવા, વાસણ માંજવા, કપડાં ધોવાં વગેરેમાં જરા પણ થાક લાગતો નહિ. આટલાં કામ વચ્ચે પણ દેવદર્શન, સામાયિક વગેરે ચૂકતાં નહિ.
બા હાથે કામ કરતાં છતાં આખા મકાનમાં બા માટે સૌને માન હતું. મકાનની સર્વ સ્ત્રીઓ બાને “માસીબા” કહીને બોલાવતી. નાનાં છોકરાંઓમાં પણ બા બહુ પ્રિય હતાં. બાનો કાયમ નિયમ હતો કે દર શુક્રવારે મકાનના બધાં છોકરાંને વાટકી ભરીને ચણા આપવા. એ મકાન અમે છોડ્યું ત્યાં સુધી આ નિયમ ચાલુ રહ્યો હતો. બાની એવી પ્રતિષ્ઠા હતી કે પડોશી-પડોશી વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે બાની નિમણૂંક થતી. તેઓ પોતાની કોઠાસૂઝથી એવો ઉકેલ બતાવતાં જે બંને પક્ષને રાજીખુશીથી માન્ય હોય.
બે વર્ષ કામ કરી “આર્ય નૈતિક' નાટક કંપનીએ અમદાવાદ જવાનું નક્કી કર્યું. બાપુજીને હવે બધાંને લઈને અમદાવાદ જવાનું ફાવ્યું નહિ. એટલે એ નોકરી છોડી દીધી. પણ બીજી નોકરી મળતાં વખત લાગ્યો. એમ દિવસો પસાર થયા અને ઘરમાં તકલીફ વધવા લાગી. દસ સભ્યોના કુટુંબનો નિભાવ કરવાનું બહુ કપરું બની ગયું હતું.
બાનાં વૈર્યનો જ્યારે વિચાર કરું છું ત્યારે એક પ્રસંગ તરત નજર સામે તરવરે છે. ત્યારે મારી ઉંમર તેર વર્ષની હશે. એ કપરા દિવસોમાં સૌથી મોટા ભાઈ કાપડની મારકેટમાં મહિને દસ રૂપિયાના પગારની નોકરી કરે. બીજા નંબરના ભાઈ અમદાવાદ નોકરી કરવા ગયેલા. પિતાજી સ્વદેશી મારકેટમાં મહિને ચાલીસ રૂપિયાના પગારે નોકરી કરે. અમે ચાર ભાઈબહેન સ્કૂલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org