________________
૨૬
શ્રુત ઉપાસક રમણભાઈ
જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, ‘હે માણિભદ્ર દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ.'
એ પ્રમાણે થયા પછી બા કહે, ‘હવે બોલ, હે માણિભદ્ર દાદા, અમારા ઉપર પરસન થાઓ ! અમારું દળદર (દારિદ્રય) મટાડો ! મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા) ને સારી નોકરી અપાવો.’
આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઈ રોજ દીવો કરી આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાજે પાછા ફર્યા ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી થઈ ગયું છે. આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે.
પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે પાદરા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. ઈ. સ. ૧૯૩૭ ની આ વાત છે.
મુંબઈ જવાનું નક્કી થતાં, પાદરાની સરકારી હાઈસ્કુલમાં ભણવાને બદલે, પ્રાથમિક ચોથા ધોરણ પછી મુંબઈની સ્કૂલમાં ભણવાનું મારું ચાલુ થયું.
મુંબઈમાં આવી રોજ સવારે નાહી, સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રી માણિભદ્રવીરને દીવો કરવાનું મારું કાર્ય સાતેક વર્ષ નિયમિત ચાલ્યું. મેટ્રિકની પરીક્ષામાં એ વખતે બહુ કઠિન ગણાતો ફર્સ્ટ કલાસ પણ શ્રી માણિભદ્રવીરની સહાયથી પ્રાપ્ત થયો. મેટ્રિકની પરીક્ષા પછી હોસ્ટેલમાં રહેવા જતાં. કેટલાક વર્ષ આ આરાધનામાં ઘણી અનિયમિતતા આવી ગઈ હતી.
શ્રી માણિભદ્રવીરની આરાધના માટે પાદરામાં આવેલા એ સ્થાનકનો પ્રભાવ કંઈક જુદો જ હતો.બે સૈકા અગાઉ કોઈ આરાધક યતિશ્રીએ એની સ્થાપના કરેલી એ એનું એક મહત્ત્વનું કારણ હતું.
કેટલાંક વર્ષ પછી મુંબઈમાં અમને સાંભળવા મળ્યું કે પાદરામાં જુદી જુદી જ્ઞાતિના આપસના વેરભાવને લીધે કોઈક રાતને વખતે શ્રી માણિભદ્રવીરની મૂર્તિ ઉપાડીને લઈ ગયું. હાહાકાર થઈ ગયો. અમને પણ બહુ આઘાત લાગ્યો. કોણ લઈ ગયું? ક્યાં લઈ ગયું? એનું શું કર્યું?-આ વાતનો ભેદ ક્યારેય ઉકલ્યો નહિ, પણ ત્યારથી નવધરીની જાણે દશા બેઠી હોય એમ એની જાહોજલાલીનું તેજ ઓછું થઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org