________________
કાર્યનો તેમને ક્યારેય બોજો ન લાગે. દિવસરાત ક્યારેય કોઈ પણ શિષ્ય કે અન્ય કોઈ ગૃહસ્થ શંકાસમાધાન માટે આવે ત્યારે તેઓ અવશ્ય તત્પર જ હોય. એ કાર્યમાં તેઓ ક્યારેય ઉતાવળ ન કરે કે વેઠ ન ઉતારે. પૂરી ધીરજ, ખંત, શાન્તિ અને સમભાવથી તથા એટલા જ ઉત્સાહથી તેઓ પદાર્થને, તત્ત્વને, સિદ્ધાંતને સમજાવે. ક્યારેક પૂછનાર વ્યક્તિ ગુસ્સો કરે, આવેગમાં આવીને ખોટી ખોટી દલીલો કરે તોપણ ઉપધ્યાય મહારાજ એટલા જ સમભાવથી અને ક્ષમાભાવથી, જરૂર પડે તો મધ્યસ્થ કે કરુણાભાવથી તેને સમજાવે. તેઓ પોતે ક્યારેય રોષે ન ભરાય કે ઉત્તર આપવાનું રોષપૂર્વક ન ટાળે. અલબત્ત, તેઓ પાત્ર જોઈને તેની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ એકસરખી ન હોય એટલે જે જીવ જે દશાએ હોય ત્યાંથી તેને ઊંચે ચઢાવવાની દૃષ્ટિથી પૂરા સદ્ભાવપૂર્વક તેઓ અધ્યયન કરાવે. માસતુસ મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. મુનિને કશું આવડતું નહોતું અને કશું જ યાદ રહેતું નહોતું. તેમના તેવા પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદય જાણીને ઉપાધ્યાય મહારાજ તેમને રાગદ્વેષ ન કરવા માટે એક જ વાક્ય ભારપૂર્વક યાદ રાખવાનું, ગોખવાનું શિખવાડે છે : ‘મા તુષ મા રુ.’ મુનિને આ વાક્ય પણ પૂરું યાદ રહેતું નથી અને તેઓ ‘માસતુસ’ ગોખે છે, પણ ઉપાધ્યાય મહારાજની શિખામણ પ્રમાણે અત્યંત ભાવપૂર્વક ગોખે છે. બીજાઓ એમની અજ્ઞાન દશાની હાંસી કરે છે, પણ મુનિ તો ગુરુ મહારાજની શિખામણ યાદ રાખીને, પોતાનામાં જ મગ્ન બનીને એવી ઊંચી ભાવપરિણતિએ પહોંચે છે કે એમને કેવળજ્ઞાન થાય છે. આમ, ઉપાધ્યાય મહારાજ પાત્રાનુસાર અધ્યયન કરાવીને યોગ્ય જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી શકે છે.
શ્રુતશાસ્ત્ર અધ્યયન અને અધ્યાપન એ ઉપાધ્યાય મહારાજના કર્તવ્યરૂપ છે. એટલા માટે પોતાનું અધ્યયન કરવામાં અને શિષ્યોને અધ્યયન કરાવવામાં તેઓ જો પ્રમાદ સેવે અથવા મન વગર, કંટાળા કે ઉદ્વેગ સાથે તેઓ અધ્યયન કરાવે તો તેમને દોષ લાગે છે અને તેનું તેમણે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે.
ઉપાધ્યાય મહારાજનો આદર્શ તો એ છે કે એમની પાસે અધ્યયન કરવા આવનારને પણ થાક ન લાગે, પણ તેમના અધ્યયનમાં ૨સ રુચિ અને વેગ વધે. શિષ્ય તરફથી આદરભાવ, પૂજ્યભાવ નૈસર્ગિક રીતે પામવો એ સહેલી વાત નથી. જ્ઞાનદાનની સાથે સાથે વાત્સલ્યભાવ હોય તો જ એ પ્રમાણે બની શકે. ઉપાધ્યાય મહારાજ શિષ્યોના શ્રદ્ધેય ગુરુ ભગવંત હોવા જોઈએ. આવા ઉપાધ્યાય મહારાજ મૂર્ખ શિષ્યને પણ જ્ઞાની બનાવી દે. તેઓ પથ્થરમાં પણ પલ્લવ પ્રગટાવી શકે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી શ્રીપાલ રાસ'માં લખે છે :
Jain Education International
મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવજ્ઝાય સલજન પૂજિત, સૂત્ર અરથ સનિ જાણે.’
૧૬૬ : જૈન ધર્મ દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org