________________
ૐ શ્રી પાર્શ્વનાથાય નમઃ શ્રી સદ્ગુરુવે નમઃ
येनात्माऽबुध्यतात्मैव, परत्वेर्नैव चापरम् ।
अक्षयाऽनन्तबोधाय, तस्मै सिद्धात्मने नमः ॥१॥ નમું સિદ્ધ પરમાત્માને, અક્ષય બોધસ્વરૂપ; જેનો આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. ૧
અર્થ : જેણે આત્માને આત્મારૂપે જ જાણ્યો છે અને પર પરરૂપે જાણ્યું છે તેવા અવિનાશી અનંતજ્ઞાનસ્વરૂપ સિદ્ધાત્માને નમસ્કાર હો.
સત્તાગત રહેલા પોતાના શુદ્ધસ્વરૂપી સિદ્ધત્વની પ્રાપ્તિની ભાવનાથી અહીં પ્રથમ સિદ્ધને નમસ્કાર કર્યા છે.
સિદ્ધઃ સર્વ કર્મોનો નાશ થવાથી જે સિદ્ધ ગતિને પામ્યા છે; જેમનાં આઠ કર્મો નષ્ટ થવાથી આઠ ગુણો પ્રગટ થયા છે; અનંતકાળ સુધી જે અવ્યાબાધ સુખમાં જ રમણ કરનારા છે; જેમને હવે જન્મમરણની જંજાળ નથી; સ્વયંભુ, અવિનાશી, અક્ષયપદને જેમણે પ્રાપ્ત કર્યું છે; જેમના સર્વ ગુણો પૂર્ણ છે – તેમાં કોઈ અલ્પાધિકપણું નથી. તે સિદ્ધ છે. તેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે.
જે સિદ્ધભગવંતે પોતાના પૂર્ણ જ્ઞાનના પ્રકાશમાં આત્માને પૂર્ણ શુદ્ધપણે જાણ્યો છે. ચેતનરહિત સર્વ પદાર્થો કે જે સ્પર્શાદિ ગુણવાળા છે તે, તથા દેહાદિ પણ જેમણે પરરૂપે જાણ્યા છે અને તેનાથી સર્વથા મુક્ત થયા છે એવા અનંત અને અવિનાશી કેવળજ્ઞાનસ્વરૂપ સિદ્ધભગવંતોને નમસ્કાર હો.
સિદ્ધભગવંતોમાં પ્રગટેલા આઠ ગુણો અનંત સામર્થ્યવાળા છે. તેથી સિદ્ધગતિની પ્રાપ્તિ માટે સિદ્ધભગવંતોને નમસ્કાર હો. અષ્ટ કર્મો નષ્ટ થવાથી જેમના અનંત ગુણો પ્રગટ થયા છે તેવા સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org