________________
८०
વંદનીય હૃદયસ્પર્શ
પણ એટલી જ સતેજ હતી. એને લીધે તેમની પાસે અનૌપચારિક રીતે શાંતિથી બેઠા હોઈએ ત્યારે પ્રાચીનકાળના કોઈ ઉચ્ચ પ્રતિભાસંપન્ન ઋષિમુનિની પાસે, કોઈ Geniusની પાસે બેઠા હોઈએ તેવો અનુભવ થતો. ઉમાશંકરની વિવિધ સિદ્ધિઓને લક્ષમાં રાખીને એમને વિવિધ બિરુદો આપવામાં આવ્યાં છે. પરંતુ ‘ઋતોપાસક ઋષિ’ તરીકે એમને ઓળખાવવામાં એમને અપાયેલાં ઘણાં બિરુદોનો સમાવેશ થઈ જાય છે.
કવિતા, નાટક, વાર્તા, વિવેચન, સંશોધન-સંપાદન, ઇત્યાદિ વિવિધ ક્ષેત્રે એમની બહુમુખી અને બહુશ્રુત પ્રતિભાએ પાંચ દાયકાથી અધિક સમય સુધી સતત યોગદાન આપ્યા કર્યું. એમનું સત્ત્વશીલ જીવનલક્ષી વિપુલ સાહિત્ય ચિરકાળ સુધી અનેકને પ્રેરણા આપતું રહેશે. એમનું જીવન પણ એવું જ પ્રેરણામય હતું. એમના નિકટ સંબંધમાં આવવાનું અમને સદ્ભાગ્ય સાંપડ્યું હતું. અહીં થોડાંક સ્મરણો તાજાં કરું છું.
શાળા અને કૉલેજનાં પાઠ્યપુસ્તકોમાં ઉમાશંકરની કવિતા ભણવાની આવી હતી ત્યારથી એટલે કે કિશોરાવસ્થાથી જ ઉમાશંકરના નામથી હું સુપરિચિત થયો હતો. મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રથમ વર્ષમાં હતો ત્યારે અમારા અધ્યાપકો બાદરાયણ અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાએ ઉમાશંકર જોશીનું ‘ગુજરાતી કવિતાની આવતી કાલ' એ વિષય ઉપર વ્યાખ્યાન ગોઠવ્યું હતું. એ દિવસે ઉમાશંકરને પહેલી વાર જોયેલા. ઉમાશંકરે વ્યાખ્યાનની શરૂઆતમાં કહેલું તે આજે પણ યાદ છે. તેમણે કહ્યું હતું કે, “મારી અટક જોશી છે. હું માનું છું કે મારી અટક જોઈને આવતી કાલની ગુજરાતી કવિતા વિશે મને બોલવાનું નહિ કહ્યું હોય. આવતી કાલની કવિતા વિશે હું જે કહીશ તે જયોતિષી તરીકે નહિ, પણ કવિતાના પ્રવાહમાં પડેલા કવિ તરીકે કહીશ.’’ એ દિવસે ઉમાશંકરને સાંભળ્યા ત્યારે એક તેજસ્વી કવિ અને મધુ૨સિક વિદ્વાન વક્તાને સાંભળવાનો આનંદ અનુભવ્યો. પછીથી તો મુંબઈમાં જેટલી વાર તેમનાં વ્યાખ્યાનોનો કે કાવ્યવાચનનો કાર્યક્રમ હોય તેટલી વાર તેમાં જવાનું અચૂક રાખતો.
૧૯૪૮માં B.A. થયા પછી મારા પારસી મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે ગુજરાતી સૉનેટોનું સંપાદન ‘મનીષા’ નામથી કરવાનું અમે વિચાર્યું. તે વખતે ઉમાશંકર સાથે મારે પત્રવ્યવહાર થયો હતો. પત્રનો જવાબ ન લખવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org