________________
૩૬૪
વંદનીય હૃદયસ્પર્શ જૈન-સત્ય-પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ”, “સિદ્ધચક્ર', ફાર્બસ ગુજરાતી ત્રમાસિક, “ગુજરાતીમાં અને કેટલાંયે સામયિકોના દીપોત્સવી અંકોમાં છપાયા છે. હીરાલાલભાઈની લેખનપ્રસાદીનો પ્રારંભ, સંસ્કૃત ભાષામાં કાવ્યરચનાથી થયેલો. વિલસન કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે ૧૯૨૦થી ૧૯૨૩ના ગાળામાં કૉલેજના અર્ધવાર્ષિક મુખપત્ર Wilsonianમાં
પરીક્ષાપર્વ, ‘મો વૈશ્ચિમ્' ઇત્યાદિ નામનાં કાવ્યો સંસ્કૃતમાં છપાયેલાં છે. પચીસ વર્ષની ઉંમરે, સંસ્કૃત ભાષા પર તેઓ કેવું સરસ પ્રભુત્વ ધરાવતા હતા તેની પ્રતીતિ આ કાવ્યો કરાવે છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો જાણે એમની બીજી માતૃભાષા હોય એટલી સરસ રીતે તેઓ તેમાં લખી-બોલી શકતા. પાઈય (પ્રાકૃત) ભાષા માટે હીરાલાલભાઈનો પ્રેમ અનન્ય હતો.
હીરાલાલભાઈએ ઈ.સ. ૧૯૩૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક પતંગપુરાણ યાને કનકવાની કથની' વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ જવાય છે. જૈન શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા ક્ષુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલી બધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથનાં દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાયેલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિશે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે :
હું આજથી ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગણિત શીખતો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગણિતશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.'
લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર કરી હતી. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મારા જૂના મહોલ્લામાં-નાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org