________________
૩પર
વંદનીય હૃદયસ્પર્શ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બૂટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેરણ અને ધોતિયું પહેરતા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા એટલે કૉલેજમાં જતાં પહેલાં રોજ સવારે નાહીને પાસે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ કે ગોડીજી પાર્શ્વનાથના દેરાસરે પૂજા કરવા જતા. સવારના શાક વગેરે લાવવાનું કામ પણ જાતે કરતા. વિલસન કૉલેજમાં ભણાવ્યા પછી એમણે ધોબીતળાવ પર આવેલી સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું અને ત્યાર પછી બે વર્ષ એ જ વિસ્તારમાં બાજુમાં આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. આમ ૧૯૧૮થી ૧૯૨૪ સુધી હીરાલાલભાઈ ગણિત વિષયના પ્રાધ્યાપક રહ્યા હતા.
ગણિતના વિષયમાંથી પ્રાકૃતના વિષય તરફ હીરાલાલભાઈ કેવી રીતે વળ્યા એ પણ એક રસિક ઘટના છે. તેઓ ગણિતનો વિષય કૉલેજમાં ભણાવતા હતા તે દરમિયાન કુટુંબના ધર્મસંસ્કાર તથા સાધુભગવંતો સાથેના પરિચયથી એમને જાણવા મળ્યું હતું કે જૈન શાસ્ત્રગ્રંથોમાં ગણિતાનુયોગ નામનો વિભાગ છે. આથી એ વિષયમાં પ્રવેશવાની એમને સહજ રુચિ થઈ. પરંતુ એ બધું સાહિત્ય તો અર્ધમાગધી ભાષામાં હતું. આથી એમણે સ્વબળે અર્ધમાગધી પણ શીખવા માંડ્યું. દરમિયાન એમને એવો વિચાર પણ આવ્યો કે જૈન ગણિતાનુયોગની કેટલીક વાતો જો અંગ્રેજીમાં મૂકવામાં આવે તો ઘણા લોકો સુધી, ખાસ તો એ વિષયના વિદ્વાનો સુધી પહોચે. આથી એમણે “Jain Mathematics' એ વિષય પર સંશોધનલેખ તૈયાર કરવા માટે મુંબઈ યુનિવર્સિટીને અરજી કરી. તે મંજૂર થઈ અને એમને રિસર્ચ ગ્રાન્ટ મળી. આથી તેઓ એ વિષયમાં પૂરા મનથી લાગી ગયા અને થોડા વખતમાં જ પ્રાકૃત ભાષાના રસિયા બની ગયા.
હીરાલાલભાઈ કૉલેજમાં ગણિતનો વિષય ભણાવતા હતા, પરંતુ બી.એ. અને એમ.એ.માં એ વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી હોવાને કારણે પ્રાધ્યાપક તરીકેની નોકરીની અનિશ્ચિતતા રહેતી. વિલસન કૉલેજના યુરોપિયન પ્રિન્સિપાલ પોતે ગણિતના વિષયના પ્રાધ્યાપક હતા. એટલે એમને હીરાલાલભાઈ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓ હીરાલાલભાઈને નભાવતા. પરંતુ પછી એ નોકરી છોડવાનો વખત આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org