________________
૩૧ લાડકચંદભાઈ વોરા
સાયલાના રાજસોભાગ આશ્રમની સ્થાપનાના પ્રેરક, અનેક મુમુક્ષુઓના ગુરુદેવ, “બાપુજી'ના નામથી ભક્તોમાં પ્રિય અને આદરણીય, સાયલાના સંત તરીકે ખ્યાતિ પામેલા એવા સ્વ. લાડકચંદભાઈ માણેકચંદ વોરાનો મંગળવાર, તા. ૯મી ડિસેમ્બર, ૧૯૯૭ના રોજ ૯૩ વર્ષની વયે દેહવિલય થયો. એમના સ્વર્ગવાસથી અમારી જેમ અનેકને અધ્યાત્મમાર્ગના એક અનુભવી પથપ્રદર્શક “બાપુજી'ની ખોટ પડી છે.
બાપુજીનો પહેલો પરોક્ષ પરિચય મને લંડન નિવાસી સુધાબહેન વિનુભાઈ દ્વારા થયો હતો. ૧૯૮૪ના જુલાઈમાં લેસ્ટરથી મુંબઈ આવતાં અમે લંડનમાં સુધાબહેનને ઘરે રોકાયાં હતાં. તે વખતે પોતાના દીવાનખાનામાં એક ફોટો બતાવી એમણે કહ્યું, “આ સાયલાના લાડકચંદ બાપા.” ધ્યાનમુદ્રામાં એ ફોટો હતો. એ જોતાં જ કોઈ પ્રભાવશાળી સાધક વ્યક્તિ હોય એવો ખ્યાલ આવે. સુધાબહેન ભારત આવે ત્યારે સાયલા અચૂક જાય. તેમણે લાડકચંદ બાપાને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તે વખતે જ મનમાં ઈચ્છા ઉદ્દભવેલી કે સાયલા જવાની તક મળે તો સારું.
યુનિવર્સિટીની અધ્યાપકીય જવાબદારી અને અન્ય રોકાણોને કારણે સાયલા જવાનું તરત બન્યું નહિ, પણ ૧૯૮૮માં લેસ્ટરમાં પ્રતિષ્ઠા હતી ત્યારે બાપુજી ત્યાં પધારેલા અને ત્યારે એમનો પહેલી વાર પરિચય થયેલો. તે વખતે બાપુજી ગળાની – સ્વરતંત્રની તકલીફને કારણે બહુ બોલતા નહિ, પણ એમના પવિત્ર વ્યક્તિત્વની સુવાસ મનમાં અંકિત થઈ ગઈ હતી. - ત્યાર પછી, મુંબઈ આવ્યા બાદ, લીંબડીમાં પૂ. શ્રી અજરામરજી સ્વામીની દ્વિશતાબ્દીના કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે મેં આયોજકોને વિનંતી કરેલી કે થોડી વાર માટે પણ જો સાથે સાથે સાયલાની મુલાકાત ગોઠવાય તો જરૂર ગોઠવી આપવી. તે ગોઠવાઈ અને એકાદ કલાક માટે સાયલાના આશ્રમમાં જવાની અને બાપુજીને મળવાની તક મળી. બાપુજી તે વખતે સાધકનિવાસની એક રૂમમાં સાંજ સુધી રોકાતા. અમે સાયલા ગયાં ત્યારે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org