________________
૨૩૪
વંદનીય હૃદયસ્પર્શ થોડી યોગસાધના થાય અને આશ્રમ સાથેનું પોતાનું અનુસંધાન સતત ચાલુ રહે. આશ્રમમાં એમનું પોતાનું ઘર છે. એ ઘર પણ પાછું વ્યવસ્થિત થઈ જાય હૃષીકેશ જવા માટે બાપુજીને ટ્રેનની મુસાફરી કરતાં મોટરકારની મુસાફરી વધુ પસંદ પડે, કારણ કે યથેચ્છ જઈ શકાય. એકાદ-બે દિવસ આગળપાછળ કરવા હોય કે એક-બે વ્યક્તિ વધારે-ઓછી સાથે લેવી હોય તો લઈ શકાય.
ટ્રેનના રિઝર્વેશનમાં પડતી તકલીફને લીધે આમ કરવું જરૂરી તો ખરું જ, પણ મોટરકારના પ્રવાસની મઝા જુદી. રસ્તામાં મિત્રોને, પરિચિતોને મળવું હોય તો મળતા જવાય. એમના ડ્રાઇવર પણ એવા હોશિયાર અને રસ્તાઓના ભોમિયા. હજાર કિલોમીટર કરતાં વધુ લાંબા મોટરકારના પ્રવાસથી બાપુજી ટેવાઈ ગયા હતા. નેત્રયજ્ઞોને નિમિત્તે અને અન્ય કાર્યક્રમોને નિમિત્તે બાર મહિને એક લાખ કિલોમીટર કરતાં વધુ પ્રવાસ તેઓ મોટરકારમાં કરતા રહ્યા હતા.
સપ્ટેમ્બર, ૧૯૯૮ના બીજા અઠવાડિયામાં હું અને મારાં પત્ની તારાબહેન સાયલાના રાજસોભાગ આશ્રમમાં હતાં. એ આશ્રમમાં દર મહિનાની ૧૪મી તારીખે શિવાનંદ મિશન દ્વારા નેત્રનિદાન શિબિર અને ૧૪મી જાન્યુઆરીએ નેત્રયજ્ઞનું આયોજન થાય છે. આ વખતે ૧૪મી સપ્ટેમ્બર અમે આશ્રમમાં હતાં એટલે પૂ. બાપુજી–ડૉ. અધ્વર્યુ સાહેબને વીરનગરમાં મળવાની અમારી ભાવના હતી. ડૉ. અધ્વર્યુ સાહેબે એક દાક્તર બહેન સાથે સંદેશો મોકલાવ્યો એટલે તે દિવસે અમે સાયલાથી વીરનગર પહોંચ્યાં અને રાત ત્યાં રોકાયાં. બાપુજીનું આ છેલ્લું પ્રત્યક્ષ મિલન અમારે માટે છે એવી ત્યારે કલ્પના નહોતી. બાપુજી સશક્ત હતા અને ઉંમરને કારણે આંખે ઓછું દેખાતું હતું છતાં બધું કામ બરાબર નિયમિત કરતા હતા. શિવાનંદ પરિવારની બધી પ્રવૃત્તિઓ બાપુજીની સાથે ફરીને અમે નિહાળી. પૂ. બાને હૃદયરોગની થોડી તકલીફ થઈ હતી એની વાત પણ નીકળી. બાનું સારું સ્વાથ્ય જોઈને અમને આનંદ થયો. તેઓ બધાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હૃષીકેશમાં દિવાળી કરવા માટે થોડા દિવસમાં નીકળવાનાં હતાં તેની પણ વાત થઈ. દિવાળી પછી બાપુજી મુંબઈ આવવાનું વિચારતા હતા અને ત્યારે અમારા ઘરે પધારવા માટેની અમારી વિનંતી સ્વીકારી હતી.
અમે મુંબઈ આવ્યા પછી બાપુજીનો પત્ર આવ્યો હતો. એમાં અમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org