________________
૨૧૫
મોરારજી દેસાઈ ગુજરાતીઓમાં તેમને માટે માનભર્યું સ્થાન હતું. તેમને માટે “સર્વોચ્ચ' શબ્દ રૂઢ થઈ ગયો હતો. પરંતુ જૂના મુંબઈ રાજ્યમાં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે હતાં ત્યારે ડાંગના પ્રશ્નની બાબતમાં મોરારજીભાઈએ અભિપ્રાય આપવાની જે ઉતાવળ કરી હતી તેને લીધે ગુજરાતની પ્રજા નારાજ થઈ હતી. મુંબઈ રાજયમાં જયારે બી. જી. ખેર મુખ્ય મંત્રી હતા અને મોરારજીભાઈ નાયબ મુખ્ય મંત્રી હતા એ વખતે ખેરની સાથે મોરારજીભાઈએ ડાંગ જિલ્લાની ઊડતી મુલાકાત લીધી અને બે-ચાર ગામ પાસેથી જીપમાં પસાર થતા લોકો સાથે વાતચીત કરી અને તે લોકો મરાઠીમાં બોલ્યા એટલે મોરારજીભાઈએ મુંબઈમાં આવીને જાહેરાત કરી કે ડાંગની ભાષા મરાઠી છે. મોરારજીભાઈની આ જાહેરાત ઉતાવળી અને અભ્યાસ વગરની હતી. એને લીધે મુંબઈ રાજ્યના વિભાજન વખતે ગુજરાતને ઠીક ઠીક સહન કરવું પડ્યું હતું. ડાંગ જિલ્લાના નેતાઓ સ્વ. છોટુભાઈ નાયક અને બીજાઓ સાથે ડાંગમાં જઈને મેં આ અંગે વાતચીત કરી હતી ત્યારે ખેરસાહેબના અધિકારીઓએ લોકો પાસે મરાઠીમાં બોલાવવાનું કેવી રીતે નાટક ગોઠવ્યું હતું તેની બધી વિગત જાણવા મળી હતી. ડાંગ મહારાષ્ટ્રમાં જાય નહિ તે માટે તેઓને કેટલો બધો પ્રતિકાર કરવો પડ્યો હતો અને ગામેગામ જઈને પ્રચાર કરવો પડ્યો હતો તેની કડીબદ્ધ વિગતો જાણવા મળી હતી.
મોરારજીભાઈ મુંબઈ રાજયના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એમની કીર્તિનો મધ્યાહ્ન ઝળહળતો હતો. પરંતુ એમના આખાબોલા સ્વભાવને કારણે કેટલાંક વર્તુળોમાં તેઓ અળખામણા થયા હતા. બીજી બાજુ, મોરારજીભાઈ પોતે સ્વચ્છ હોવા છતાં એમના નામનો દુરુપયોગ થવા લાગ્યો હતો. થોડેઘણે અંશે મોરારજીભાઈ પોતે પણ એ વિશે જાણતા હશે. આવી વાતો રાજદ્વારી વર્તુળોમાં પ્રસર્યા વગર રહે નહિ. પોતાનાં સગાંસંબંધીઓ દ્વારા ઉઠાવાતા સત્તાના ગેરલાભો કેટલીક વાર ગેરકાયદેસરના નથી હોતા, પરંતુ એથી નેતાની પ્રતિભાને ઝાંખપ તો લાગે જ છે અને લાંબે ગાળે એવી વાતો નેતાની પ્રગતિને રૂંધે છે.
મોરારજીભાઈના જીવનમાં પણ એવી વાદળી આવીને પસાર થઈ ગઈ હતી એમ મનાય છે. મોરારજીભાઈની શક્તિ જોતાં નહેરુએ ૧૯૫૬માં એમને કેન્દ્રમાં પ્રધાન બનાવ્યા હતા. ત્યારે સિનિયોરિટીમાં એમનો નંબર ચોથો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org