________________
૨૧૨
વંદનીય હૃદયસ્પર્શ મોરારજીભાઈને નજીકથી મળવાનો સૌથી પહેલો પ્રસંગ મને ૧૯૫૨માં પ્રાપ્ત થયો હતો. ત્યારે તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા. તે વર્ષે હું બેલગામમાં લશ્કરી તાલીમ લેવા ગયો હતો. બેલગામ ત્યારે મુંબઈ રાજયમાં હતું. મોરારજીભાઈ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બેલગામના મિલિટરી સેન્ટરની મુલાકાત લેનાર હતા. તેઓ અમારી પરેડની સલામી લેનાર હતા. અને મિલિટરી મેસમાં અમારી સાથે ભોજન લેનાર હતા. આઝાદી પછી હજુ થોડાં જ વર્ષ પસાર થયાં હતાં. બ્રિટિશરોની લશ્કરી એટિકેટ હજુ ચાલુ જ હતી. એટિકેટનો મુખ્ય પ્રશ્ન આ હતો : મિલિટરી મેસમાં કે પરેડના મેદાનમાં કોઈ પણ વ્યક્તિ ચંપલ પહેરીને જઈ ન શકે. બૂટમોજાં પહેરીને જ જવું પડે. વળી કોઈ પણ વ્યક્તિ મેસમાં ભોજન માટે ધોતિયું કે પાયજામો પહેરીને ન જઈ શકે, પેન્ટ જ પહેરવું પડે. મોરારજીભાઈ ધોતિયું અને ચંપલ પહેરીને આવવાના હતા. વડાપ્રધાન જવાહરલાલ બૂટ પહેરતા અને ધોતિયું નહોતા પહેરતા. એમનાથી લશ્કરી ઑફિસરો ટેવાઈ ગયા હતા, પરંતુ ધોતિયું અને ચંપલથી હજુ ટેવાયા નહોતા. મિલિટરીમાં એટિકેટનો એટલે કે શિષ્ટાચારનો ભંગ એ ઘણી ગંભીર બાબત ગણાય. વસ્તુતઃ ગુનો જ લેખાય છે. મોરારજીભાઈ માટે બૂટમોજાં અને લશ્કરી યુનિફૉર્મ તૈયાર રાખવામાં આવ્યાં હતાં, પરંતુ એ કહેવાની હિંમત કોણ કરે, અને જો તેઓ ન માને તો શું થાય ? અમારા કમાન્ડિગ ઑફિસર આ બાબતમાં જે બહુ ગુસ્સામાં હતા તે છેલ્લી ઘડીએ ઢીલા પડી ગયા. અમારી ઑફિસરોની મીટિંગમાં તેમણે જાહેર કર્યું કે, “આપણાથી કશું કહી શકાશે નહિ. એટિકેટનો ભંગ થાય તે જોયા કરવો પડશે.”
- મોરારજીભાઈ મુલાકાત માટે આવ્યા. તેઓ પ્રસન્નવદન હતા, પણ અમારા કમાન્ડિગ ઑફિસરના ચહેરા પર કૃત્રિમ પ્રસન્નતા હતી. બીજા ઑફિસરો પણ ઝંખવાણા પડી ગયા હતા. મોરારજીભાઈએ અમારી સાથે ધોતિયું અને ચંપલ પહેરીને ભોજન લીધું. બેલગામના મિલિટરી સેન્ટરમાં પહેલી વાર એટિકેટના ભંગરૂપ ઐતિહાસિક ઘટના બની ગઈ.
ભોજન પછી અમે બધા ઑફિસરો બેઠકના ખંડમાં બેઠા. તેમની સાથે વાત કરવાની મને પણ તક મળી. ઑફિસરમાં ગુજરાતી તરીકે હું એક જ હતો. હું લશ્કરી તાલીમ લઉં છું એ જાણીને એમને આનંદ થયો. વળી હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org