________________
૨૦૮
વંદનીય હૃદયસ્પર્શ હતી. કૉમેન્ટેટર તાલ્યાખાન એને “વિજુલા-કટ' તરીકે ઓળખાવતા. કુનેહ તથા તાકાતથી જરા પણ સંક્ષોભ પામ્યા વગર પૂરી સ્વસ્થતાથી રમવાની એમની પદ્ધતિએ ક્રિકેટના ક્ષેત્રમાં એમને ઘણી મોટી સિદ્ધિ અપાવી હતી. પ્રતિષ્ઠાની ટોચે હતા ત્યારે જ વિજયભાઈ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા. તેઓ કહેતા કે સારા ખેલાડીએ પ્રતિષ્ઠાની ટોચે પહોંચતાં જ નિવૃત્ત થઈ જવું જોઈએ. કોઈ પણ સ્થાનને ઝાઝો વખત વળગી રહીને ઝાંખું પાડવું તે યોગ્ય નથી. એમની એ સૂઝ અને સમજ આદરને પાત્ર ગણાઈ હતી.
વિજયભાઈની મુખ્ય કારકિર્દી તો ક્રિકેટના ખેલાડી તરીકેની હતી. પરંતુ સમાજસેવાના ક્ષેત્રે ઝંપલાવ્યા પછી તેઓ કહેતા કે “ક્રિકેટ એ જો મારા જીવનની પહેલી ઇનિંગ છે, તો સમાજસેવા એ બીજી ઇનિંગ છે. ઉપરવાળો છેલ્લો બૉલ નાખશે એટલે આપણે આઉટ થઈ જઈશું.”
સમાજસેવાનું કાર્ય કરવાની સાથે સાથે વિજયભાઈનો ક્રિકેટનો રસ સાદંત જળવાઈ રહ્યો હતો. ઘણાં વર્ષો સુધી એમણે રેડિયો ઉપરથી ટેસ્ટમેચની રનિંગ કૉમેન્ટરી આપી હતી. સ્પષ્ટ બુલંદ અવાજે પૂરી સમજ સાથે અપાતી એમની કોમેન્ટરી સાંભળવી એ પણ એક લહાવો હતો. રેડિયો ઉપર ચહેરો દેખાવાનો પ્રશ્ન ન હોય, માત્ર અવાજ જ સંભળાય. એ અવાજ અને શૈલીથી તરત જ ખબર પડે કે આ કૉમેન્ટરી વિજયભાઈની છે. ટી.વી. ઉપર મૅચનું પ્રસારણ શરૂ થયા પછી વિદેશમાં રમાતી મેચ જોવા માટે અડધી રાતે જાગીને તેઓ પોતાના ઘરે ટી.વી. ચાલુ કરતા. દુનિયાભરની ક્રિકેટની પ્રવૃત્તિથી તેઓ જીવનના અંતિમ સમય સુધી પૂરેપૂરા અને સતત માહિતગાર રહ્યા હતા, અને તે માટેની વિવિધ સમિતિઓમાં સક્રિય સભ્ય તરીકે તેમણે પોતાની સેવા આપી હતી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉંમર અને કામના બોજાને કારણે વિજયભાઈની તબિયત ઉપર અસર પહોંચી હતી. હૃદયરોગના ગંભીર હુમલાનો ભોગ તેઓ ત્રણ વાર બન્યા હતા. પરંતુ એથી એમની સેવાની લગની ઓછી થઈ ન હતી. એક વાર વાત નીકળી ત્યારે તેમણે કહેલું કે, “મારા શરીરનો બહુ ભરોસો નથી; પરંતુ કેટલાંક વર્ષોથી મેં મુંબઈની બહાર જવાનું બંધ કરી દીધું છે. મુંબઈમાં ભલે ગમે ત્યાં હોઉં, હૃદયરોગની કંઈ પણ તકલીફ થાય તો થોડી વારમાં જ દાકતરી સારવાર મળી શકે કે જેથી કરીને રોગ ઉગ્ર ન બની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org