________________
૧૮૧
અમૃતલાલ યાજ્ઞિક તો પહેરણ ને ધોતિયું પહેરીને સીધો ખાલી હાથે ચાલ્યો આવ્યો છું. સાથે કશું જ લાવ્યો નથી. આ જ પહેરણ ને ધોતિયું પહેરીને આવતી કાલે મીટિંગમાં આવું એનો તમને વાંધો ન હોય તો આવતી કાલે મીટિંગ ચાલુ રાખો.'
યાજ્ઞિકસાહેબની સરળતા અને ખેલદિલીથી વાઇસ ચાન્સેલર પણ રાજી થયા. બીજે દિવસે મીટિંગ સારી રીતે ચાલી. એક દિવસના ચોળાયેલાં કપડાં બીજે દિવસે પાછાં પહેરવામાં યાજ્ઞિકસાહેબે કંઈ જ અસ્વસ્થતા કે સંકોચ અનુભવ્યાં નહોતાં.
કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ સ્થાને પહોંચનાર વ્યક્તિ પાસેથી સગાંઓ, સંબંધીઓ, મિત્રો, સાથીઓ વગેરે પોતાનું કામ કરાવી આપવા માટે જાતજાતની અપેક્ષાઓ હકપૂર્વક રાખતા હોય છે. તે ન સંતોષાય એટલે ટીકા, નિંદા, કલહ, સંઘર્ષ વગેરે ચાલુ થાય છે, એથી રાગદ્વેષમાં ઘણાં પરિણામો ચાલતાં હોય છે. ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ પણ કેટલીક વાર પોતાની સત્તાના પક્ષપાતી ઉપયોગના બદલામાં કશુંક મેળવી લેવા, આર્થિક દૃષ્ટિએ એને ગુપ્ત રીતે વટાવી લેવાના પ્રયાસો કરતી હોય છે. એવે વખતે સ્વસ્થતા, સમત્વ, પ્રામાણિકતા, ન્યાયબુદ્ધિ વગેરે જાળવવાનું કપરું બની જાય છે. યાજ્ઞિકસાહેબ કૉલેજમાં અને યુનિવર્સિટીની સમિતિઓમાં એવું સ્થાન પ્રાપ્ત કરવા છતાં આર્થિક પ્રલોભનોથી દૂર રહ્યા હતા. પોતે નિવૃત્ત થયા ત્યારે મળેલી થેલીની રકમ પણ એમણે લોકભારતી, સણોસરાને આપી દીધી હતી. મુંબઈમાં કેટલીયે સંસ્થાઓના કેટલાયે કાર્યક્રમોમાં એમને જવાનું થતું. તેમને લેવામૂકવા માટે સંસ્થા તરફથી વ્યવસ્થા થઈ હોય તો ઠીક, નહિ તો પોતાની મેળે બસમાં કે ટ્રેનમાં ત્યાં પહોંચી જતા, અને ભાડાભથ્થાની કોઈ અપેક્ષા રાખતા નહિ. કોઈ વખત કોઈ કાર્યક્રમમાં મુખ્ય વ્યક્તિ ન આવી શકે એમ હોય તેવે વખતે યાજ્ઞિકસાહેબને જો કહેવામાં આવે તો તેઓ સ્વમાન અને ગૌરવનો પ્રશ્ન બનાવી અક્કડ રહેવાને બદલે સરળતાથી નિમંત્રણ સ્વીકારી લઈ મુશ્કેલીમાં મદદરૂપ થતા. ક્યારેક પા કે અડધો કલાક માટે અચાનક બોલવા ઊભા થવાનું હોય તો પણ તેમની મધુર વાણી અસ્મલિત વહેવા લાગતી.
યાજ્ઞિકસાહેબને જયારે યાદ કરું છું ત્યારે એમના વ્યક્તિત્વનાં વિવિધ લક્ષણો નજર સામે તરવરે છે ! તેઓ પોતાના જીવનને ચરિતાર્થ કરી ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org