________________
૧૫૪
વંદનીય હૃદયસ્પર્શ સંતાયા હતા. એ ગુપ્તવાસ વખતે નિરંજનને એક દિવસ છાતીમાં બારીનો ખૂણો વાગતાં પાંસળી તૂટી હતી. એથી હુરસી અને પછી ભારે ક્ષયરોગ થતાં તેમને દક્ષિણ ભારતના એક આરોગ્યધામમાં રાખવામાં આવ્યા, પરંતુ રોગ વધતા ૧૯૫૧માં એમનું અવસાન થયું. ત્યાર પછી જયમલ્લભાઈ અને ઈશ્વરભાઈએ રાજકોટમાં સાથે રહેવાનું ચાલુ રાખ્યું. જયમલ્લભાઈ જીવનભર અપરિણીત રહ્યા. ઈશ્વરભાઈ ૧૯૭૮માં અવસાન પામ્યા. ઈશ્વરભાઈના પુત્ર રાજુલ દવેને જયમલ્લભાઈએ વાત્સલ્યથી ઉછેર્યો હતો. આ રીતે સ્વ. જયમલ્લભાઈએ મૈત્રીના આદર્શનું એક સરસ પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જયમલ્લભાઈનો યુવાનીનો જમાનો એટલે સ્વાતંત્ર્યસંગ્રામનો જમાનો, પરંતુ એ જમાનામાં એક બાજુ બ્રિટિશ રાજ્યના પ્રદેશો હતા, તો સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ)માં મુખ્યત્વે દેશી રાજ્યો હતાં. સમગ્ર ભારતમાં સૌથી વધુ દેશી રાજ્યો સૌરાષ્ટ્રમાં હતાં. ત્રણસોથી પણ વધુ આ રાજ્યોમાંનાં કેટલાંક નાનાં નાનાં રાજ્યો તો પાંચ-પંદર ગામનાં જ હતાં. ભારતમાં આઝાદીની લડતનો એક મોટો પ્રશ્ન હતો. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એ પ્રશ્ન વધુ જટિલ હતો. જયમલ્લભાઈએ યુવાનવયે “ફૂલછાબ'માં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોના પ્રશ્નો અંગે પોતાની અભ્યાસપૂર્ણ વેધક કૉલમ ચલાવી હતી. આજે તો નવી પેઢીને એ સમયની દેશી રાજ્યોની સ્થિતિનો ખ્યાલ આવવો પણ મુશ્કેલ છે. જયમલ્લભાઈએ એ દિશામાં કેટલું સંગીન કાર્ય ત્યારે કર્યું હતું તે તો સમયના સાક્ષીઓ જ વધારે સારી રીતે કહી શકે !
ફૂલછાબ' જ્યારે ૧૯૫૭માં સાપ્તાહિકમાંથી દૈનિક થયું ત્યારે એના આદ્યતંત્રી તરીકે જયમલ્લભાઈ જોડાયા હતા. આ રીતે તંત્રી તરીકે એમણે પાંચ વર્ષ સેવા બજાવી હતી અને પોતાની લેખિનીનો લાભ સૌરાષ્ટ્રની જનતાને આપ્યો હતો. “ફૂલછાબ'ને દૈનિક તરીકે સ્થિર કરવામાં જયમલ્લભાઈનું યોગદાન ઘણું મોટું છે.
જયમલ્લભાઈએ યુવાન વયે “ભૂદાન', “ઉકરડાનાં ફૂલ' જેવાં નાટકો; સાંબેલાં', “અમથી ડોશીની અમથી વાણી” જેવાં કટાક્ષકાવ્યો તથા “આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય', “સુભાષના સેનાનીઓ' વગેરે ચરિત્રો લખ્યાં હતાં. એમની સર્જક પ્રતિભા આમ જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોમાં વિહરતી.
સ્વ. જયમલ્લભાઈ પરમારનો ઉછેર અને વિકાસ મુખ્યત્વે તો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org