________________
રંભાબહેન ગાંધી
૧૧૧
સુઘડ અને વ્યવસ્થિત રહેતું હતું. મનમોહનભાઈ પણ એમાં મદદ કરતા હતા. નિવૃત્ત જીવન એટલે મનમોહનભાઈ ઘણો સમય મિત્રોને પત્રો લખવામાં, અંગ્રેજીમાં કવિતા લખવામાં, ઘરને વ્યવસ્થિત રાખવામાં, ટેનિસ ક્લબમાં રમવામાં કે હેંગિંગ ગાર્ડનમાં નિયમિત ફરવામાં પસાર કરતા.
-
હૅગિંગ ગાર્ડનમાં રંભાબહેન અને મનમોહનભાઈ અમને અનેક વાર મળ્યાં હશે. બંનેના ચહેરા ઉપર તરવરાટ અને ચાલવામાં સ્ફૂર્તિ જોવા મળતાં. કોઈ કોઈ વખત રંભાબહેનને મળવા માટે મુંબઈ કૅમ્પ્સ કૉર્નર પાસેના એમના નિવાસસ્થાને અમારે જવાનું થયું હતું. એમનું ઘર વિશાળ હતું. પુસ્તકો, સામયિકો, રાચરચીલું – બધું જ વ્યવસ્થિત રહેતું. ઘરમાં સંતાનો નહિ, નોકરચાકર પણ બધું સંભાળી લે, એ કારણ તો ખરું, પરંતુ રંભાબહેન અને મનમોહનભાઈની પ્રકૃતિ એવી કે કશું અવ્યવસ્થિત કે અણઘડ એમને ગમે નહિ. મનમોહનભાઈ કહે કે રંભાબહેનને રોજ અમુક નિશ્ચિત સમયે લખવા બેસી જવાનો નિયમ. એટલે એટલા સમય દરમિયાન પતિપત્ની પણ એકબીજા સાથે વાત ન કરે. મનમોહનભાઈ તરફથી રંભાબહેનને લેખનકાર્ય વખતે કશી ખલેલ ન પહોંચે એવી ચીવટપૂર્વકની પરસ્પર સમજૂતી હતી. રંભાબહેન અને મનમોહનભાઈ બંનેના બાથરૂમ જુદા હતા. એ સ્વચ્છ બાથરૂમ બતાવીને અમને મનમોહનભાઈ કહે, “અમે બંને આ ઘરમાં ચાલીસ વર્ષથી સાથે રહીએ છીએ, પરંતુ અમે એકબીજાના બાથરૂમનો ક્યારેય ઉપયોગ કર્યો નથી.” વ્યવસ્થિત નિયમબદ્ધ, સહકારમય અને ઉષ્માભર્યું દામ્પત્યજીવન જીવવાની તેમની પાસે વિશિષ્ટ કળા હતી.
આવાં આપણાં એક વડીલ સન્નારીએ સન્મુખ આવી રહેલા મૃત્યુનો જે વિરલ હિંમતથી સ્વીકાર કર્યો હતો તે ઘટના એવાં બીજાંઓને હિંમત અને સાંત્વન આપે એવી હતી.
કૅન્સર જેવી જીવલેણ બીમારીથી પોતાને દેહ છોડવાનું થયું એથી રંભાબહેને પોતાની મિલકતમાંથી માતબર રકમ કૅન્સરના દર્દીઓ માટે અને કૅન્સરના સંશોધન માટે ખર્ચવાની ભાવના રાખી હતી જે એમના અવસાન પછી શ્રી મનમોહનભાઈ ગાંધીએ પાર પાડી હતી.
રંભાબહેન અને મનમોહનભાઈનું દામ્પત્યજીવન અનેકને પ્રેરણા આપે એવું હતું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org