________________
ઈશ્વર પેટલીકર
૧૦૧
લાગ્યું છે. એટલે મેં છોડી દીધું છે. વળી આજીવિકા તો હવે રોયલ્ટીમાંથી સારી રીતે ચાલે છે એટલે વાંધો નથી.' નવલકથાનું લેખન છોડી દેવા માટેની પેટલીકરની આ નિખાલસતા મને સ્પર્શી ગઈ હતી.
ઘણાં વર્ષ પછી ઇંગ્લેંડના પ્રવાસેથી પાછા ફર્યા પછી નવો તાજગીસભર અનુભવ લઈ આવીને એમણે આપણને ફરી પાછી એક નવલકથા આપી. સાહિત્ય પરિષદના અધિવેશનમાં કે જ્ઞાનસત્રમાં પેટલીકરને વારંવાર મળવાનું થતું. કોઈ વખત અમદાવાદમાં કે મુંબઈમાં પણ મળવાનું થતું. પરંતુ પહેલાં જેટલું એ હવે સતત રહ્યું નહોતું.
પેટલીકર સાથે છેલ્લા થોડા મહિના પહેલાં પત્રથી સંપર્ક થયો હતો. મારા પુસ્તક ‘પાસપૉર્ટની પાંખે'નું અવલોકન એમણે ‘સંદેશ’માં પોતાની કૉલમમાં લખ્યું હતું. તેનું કટિંગ મોકલવા સાથે તેમણે મને વિગતવાર પત્ર લખ્યો હતો. તેમાં એમણે પોતાની આંખની તકલીફને કા૨ણે વાંચવાની મુશ્કેલી તથા હાથે લખવાની તકલીફ વિશે નિર્દેશ કર્યો હતો.
પેટલીકર સ્વભાવે નિર્દભ અને નિખાલસ હતા. પોતાને જે સાચું લાગે તે કહેતા. ક્યારેક તેમાં સહૃદયતાભરેલી નિર્ભયતા પણ દેખાતી. પેટલીકર વ્યક્તિહિતચિંતક તેમજ સમાજહિતચિંતક હતા. એ માટે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જણાવતા. તેમનામાં વેર કે દંશની વૃત્તિ નહોતી. સાચા અર્થમાં તેઓ અજાતશત્રુ હતા. પોતાની નિર્બળતા કે ક્ષતિનો પ્રામાણિકપણે તરત જાહેરમાં સ્વીકાર કરી લેતા અચકાતા નહિ. તેઓ કોઈ મોટા સ્થાન, હોદ્દા કે પ્રસિદ્ધિ માટે લાગવગ કે પડાપડી કરે એવી પ્રકૃતિના નહોતા. નિસ્પૃહી રહેતા. એમની સુવાસ ઘણી મોટી હતી. લોકોના સાચા પ્રેમાદરને પાત્ર તેઓ બન્યા હતા. આપણા જાહેર જીવનમાં સજ્જનોનો દુકાળ વધતો જાય છે ત્યારે પેટલીકરની ખોટ લાગે એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org