________________
6
વર્તમાન યુગ તે વિજ્ઞાનયુગ છે. જે બુદ્ધિગમ્ય હોય, જે ઇતિહાસપ્રસિદ્ધ હોય અને જે વાસ્તવવાદી હોય, તે જો સમાજ સમક્ષ રજૂ કરવામાં આવે તો સમાજ તરફથી અને ખાસ કરીને યુવાવર્ગ તરફથી જલદી સ્વીકાર્ય બને છે. આ વાત લક્ષમાં રાખીને વર્તમાન પુસ્તકમાં યોજેલી લગભગ બધી જ કથાઓ ઈતિહાસપ્રસિદ્ધ ન્યાયથી રજૂ કરવામાં આવી છે અને કોઈ જગ્યાએ અમુક સ્થળ, અમુક તવારીખ કે અમુક વ્યક્તિનું નામ જાણી શકાયું નથી ત્યાં પણ પૂર્વના કોઈ પ્રમાણસિદ્ધ સાહિત્યનો આધાર લઈને પ્રસંગની યથાવત્ રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટૂંકમાં, આ કોઈ પૌરાણિક કથાઓ પણ નથી કે કોઈ વાર્તાસંગ્રહ પણ નથી પરંતુ જીવનનાં વિવિધ ક્ષેત્રોએ વિશિષ્ટ મહત્તાને પ્રાપ્ત થયેલી વ્યક્તિઓના જીવતા-જાગતા બનાવોનું આલેખન છે.
---
આમ જ્યારે એક બાજુ સત્ય, અહિંસા, વિશ્વપ્રેમ, સહનશીલતા, ક્ષમા, સંયમ અને ઈશ્વરભક્તિ જેવા સાત્ત્વિક ગુણોનું પ્રતિપાદન થયું છે તો બીજી બાજુ શૌર્ય, પ્રામાણિકતા, કલારસિકતા, માતૃપ્રેમ, યુદ્ધકૌશલ્ય, વાક્પટુતા વગેરે સામાન્ય માનવીય ગુણોનું પણ વર્ણન છે. યાચકથી માંડીને મહારાજા સુધીની, વેપારીથી માંડીને દીવાન સુધીની, બાળકથી માંડીને વૃદ્ધજન સુધીની, ચોરથી માંડી સંત સુધીની અને ઈ.સ. પૂર્વેથી માંડીને અણુયુગ સુધીની વિવિધતાને આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે, જેથી સમાજના બધા જ વર્ગોને આમાંથી રસપ્રદ વાંચન મળી રહે તેવી સંભાવના છે.
આ પ્રમાણે વસ્તુવિષયનું વૈવિધ્ય હોવા છતાં, આ કૃતિનું પ્રયોજન તો એક જ છે અને તે એ કે આ પ્રસંગો આપણે રસપૂર્વક વાંચીને જ સંતોષ ન માનીએ, પરંતુ આ વાચનથી આપણા પૂર્વજોના ગૌરવપૂર્ણ વારસા તરફ આપણું લક્ષ જાય અને જેવો મહાન પુરુષાર્થ કરીને તેઓએ પોતાનું જીવન ઉદાત્ત અને દીવાદાંડી સમાન બનાવ્યું તેમ આપણે પણ આવા ઉત્તમ ગુણોનું આપણા જીવનમાં પ્રયત્નપૂર્વક આચરણ કરીએ અને આપણા જીવનને ઉન્નત બનાવીએ.
Jain Education International
For Private & Personal Use Only
wt
www.jainelibrary.org