________________
૨૧૪
અર્વાચીન જૈન જ્યોતિરો
આખરે માણેકબહેનને પોતાનો દીકરો સાજોન્સારો મળી ગયો. એમના આનંદનો પાર ન રહ્યો ! મણિલાલને જાણે તે દિવસથી રામનાં રખવાળાં મળ્યાં. ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી એટલે તેઓ કપડવંજ આવીને પોતાનાં પત્ની અને પુત્રને મુંબઈ તેડી ગયા. મણિલાલે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધું.
પણ માતા-પુત્રનો ભાગ્યોદય કંઈક વિલક્ષણ હતો. એમાં કુદરતનો કોઈ સફળ સંકેત છુપાયો હતો. ૨૬ વર્ષની નાની ઉમરે માણેકબહેન વિધવા થયાં. ચિત્તમાં જાણે સુનકાર છવાઈ ગયો. પણ જેમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી તેને આવા કારમા સંકટ વખતે ધર્મ જ સાચો લાગ્યો. સંસાર અસાર લાગ્યો. અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું. પણ વચમાં એક અવરોધ હતો. ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું? એને કોને ભરોસે સોંપવો? માને પણ થયું કે હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું.
દીક્ષા. . .દીક્ષા-ગુરુ. .. શાસ્ત્રાભ્યાસ : વિ. સં. ૧૯૬૫ ના મહા વદી પાંચમના દિવસે મણિલાલે વડોદરા પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી. મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા લીધી. એમનું નામ શ્રી રત્નશ્રીજી રાખવામાં આવ્યું. મુનિશ્રી પુણ્યવિજયજીના દાદા-ગુરુ ' પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમ-રોમમાં વ્યાપેલું હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદા-ગુરુ હતા એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહાર-દક્ષ, કાર્ય-નિષ્ઠ અને સતત સાહિત્ય-સેવી વિદ્વાન હતા. દાદા-ગુરુ અને ગુરુ બંને જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારના પવિત્ર ધ્યેયને વરેલા હતા.
દીક્ષા-કાળ પછી મહારાજશ્રીના જીવનમાં વિદ્યાભ્યાસ અને શાસ્ત્ર-સંશોધનનું કામ સાથે જ રહ્યું છે. પૂ. મહારાજશ્રી આ બાબતમાં પોતે લખે છે કે, “કોઈ પણ વિષયનો એકધારો સાંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કામ શરૂ કર્યું કંઈક પૂર્વ-સંસ્કારો કહો, કંઈક વડીલોની કૃપા કહો અને કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહો, મોટે ભાગે વિદ્યાભ્યાસ અને શાસ્ત્ર-સંશોધનનું કામ સાથે સાથે જ ચાલતાં રહ્યાં.” કામ કામને શીખવે એમ શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને સમજવાની ધીરજ અને તાલાવેલી વગેરે રહેલાં હતાં. દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદા-ગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધા Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org