________________
૧૫૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
તે સ્ટેશનેથી આગળ વિહાર કરતાં માર્ગમાં એક વાઘનો ભેટો થઈ ગયેલો, પણ તે મુનિમંડળથી પચીસેક કદમ જેટલે દૂરથી જ જરા પણ ઉપદ્રવ કર્યા વગર પોતાને માર્ગે પસાર થઈ ગયો.
- અજાણ્યાં અને જેન વસતી વિનાનાં ગામડાંમાં આહારપાણી મેળવતાં તેમને જાતજાતના અનુભવો થતા. રેલવે લાઇન પરથી વિહાર કરવાનો હોય અને વસતી બહુ દૂર હોય, ત્યારે કોઈ વાર રેલવેના ડ્રાઇવરને વિનંતી કરીને અંજિનમાંનું ધગધગતું પાણી મેળવવું પડતું. પંજાબના વિહાર દરમ્યાન ગામડાંમાં શિયાળાની ઋતુમાં ગરમ પાણી મળી શકતું. પણ ઉનાળામાં કોઈ નાહવા માટે ગરમ પાણી કરે નહિ એટલે મળી શકતું નહિ, ત્યારે છાશ મેળવીને ચલાવવું પડતું.
- લાહોરથી પાંચેક માઈલ દૂર આવેલા સહાદરા નામના એક ગામડામાં તો છાશ કે પાણી કશુંય મળ્યું નહિ. લોકો પોતાનું દૂધ લાહોર વેચી આવતા અને કોઈ છાશ બનાવતા જ નહિ, પછી છાશ હોય ક્યાંથી? ત્યાંથી આહાર મળી શક્યો, પણ છાશ-પાણી મળ્યાં નહિ ! છેક સાંજે પાંચ વાગતાં એક કારખાનું ચાલુ થયું, તેમાંથી ધગધગતું ગરમ પાણી મળ્યું. તેને ઠારી પછી આહાર કર્યો.
આવી અનેક મુશ્કેલીઓ ઉપરાંત જૈનેતરોને ઘેરથી આહાર મેળવતાં કેટલીક વાર અપમાનો વેઠવાં પડતાં, કોઈ વાર તિરસ્કાર થતો, કોઈ કોઈ તો ખડકીની બહાર સાધુઓને ઊભા રાખતા અને પછી ભિખારીને રોટલો–ટુકડો આપતા હોય તેમ દયાદાન કરવા ઈચ્છતા. પરંતુ જૈન મુનિઓ ભિક્ષક હોય છે, પણ ભિખારી હોતા નથી; એવું જ્યારે તેમને સમજાવવામાં આવતું, ત્યારે તેઓ સાધુઓને ઘરમાં પ્રવેશવા દેતા અને પછી જ એવા ઘરોમાંથી સાધુઓ આહાર ગ્રહણ કરી શકતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org