________________
૪૮ • પંડિત સુખલાલજી બેસવાનું ન શકે, એટલે એમના માટે જુદો એક્કો કરવામાં આવ્યો હતો. પંડિતજીને અછબડા નીકળી ગયા પછી નવી આવેલી ચામડીવાળા પગે લાંબું ચાલવાનું ફાવતું નહિ. મહારાજશ્રી પંડિતજીની ઘણી કાળજી લેતા. પંડિતજી પોતાનો અભ્યાસ છોડીને યાત્રામાં જોડાયા હતા. એટલે મહારાજશ્રી તેમની વધારે દરકાર રાખતા. પંડિતજીનું મન કાશીમાં હતું અને તન યાત્રામાં હતું, તો પણ યાત્રાથી જે લાભ થયો તેણે અભ્યાસનું સાટું વાળી દીધું હતું. તેઓ આ વિહારયાત્રામાં ન જોડાયા હોત તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની આ વિહારભૂમિનો અને એના ઇતિહાસનો એમને આવો સરસ પરિચય કરવાની તક જિંદગીમાં ફરી મળત નહિ એમ એમને લાગ્યું હતું. રેલવે દ્વારા પ્રવાસ અને પગપાળા વિહાર એ બંનેના અનુભવો અનોખા છે. વિહારનો અનુભવ એકલદોકલ ગૃહસ્થ વ્યક્તિને જલદી મળી શકતો નથી.
મહારાજશ્રીએ કાશીથી વિહાર કરી પહેલો પડાવ સારનાથ પાસે સિંહપુરી તીર્થમાં નાખ્યો. ત્યાર પછી ચન્દ્રાવતી, ત્યાર પછી ગંગા-ગોમતીનું સંગમસ્થાન, પછી, ગાજીપુર, આરા, સોણનદ, પટણા, રાજગૃહી, વૈભારગિરિ, નાલંદા વગેરે સ્થળે વિચારવાનો, નદીમાં સ્નાન કરવાનો કે તરવાનો, મહાનુભાવોનું આતિથ્ય માણવાનો, ચાંદની રાતે નદીકિનારે ફરવાનો અને શિખરજીમાં પગે ચાલી પહાડ પરની યાત્રા કરવાનો આનંદ પંડિતજીએ અનુભવ્યો હતો. પોતાના જીવનનો આ એક અદ્વિતીય અણમોલ અનુભવ હતો. એવી તક પોતાને પૂરી પાડનાર પોતાના ગુરુ શ્રી વિજયધર્મસૂરિ પ્રત્યે તેઓ પોતાની કૃતજ્ઞતા અનુભવતા હતા. પોતાની એ લાગણી એમણે મહારાજશ્રી સમક્ષ વ્યક્ત કરી હતી.
સમેતશિખરની યાત્રા પૂરી થઈ. પહાડની તળેટીમાં થોડા દિવસ રોકાણ થયું, એ દરમિયાન કલકત્તાના જૈન સંઘના આગેવાનો ત્યાં આવ્યા. તેઓએ મહારાજશ્રીને કલકત્તા ચાતુર્માસ અર્થે પધારવા વિનંતી કરી. એ દિવસોમાં ગુજરાત-રાજસ્થાન બાજુથી સાધુઓ વિહાર કરી સમેતશિખર સુધી પણ જવલ્લે જ જતા. એટલે કલકત્તાના જેનોને સાધુ-સાધ્વીઓનો લાભ મળતો નહિ. એથી જ સંઘે શ્રી વિજયધર્મસૂરિ મહારાજને એ માટે આગ્રહ કર્યો. છેવટે મહારાજશ્રીએ સંમતિ આપી અને શિખરજીથી વિહાર કરી કલકત્તા પહોંચવાનો નિર્ણય કર્યો. પરંતુ પંડિતજી માટે દ્વિધા ઊભી થઈ હતી. તેમને પોતાના અભ્યાસનું સાતત્ય તૂટ્યું હતું એ ગમ્યું ન હતું. મહારાજશ્રીએ બીજા વિદ્યાર્થીઓની સાથે તેમને પણ કલકત્તા આવવા કહ્યું. દરમિયાન કાશીથી એમના મિત્ર વ્રજલાલ શિખરજી આવ્યા. એમની સાથે વિચારણા કરતાં પંડિતજીને લાગ્યું કે પોતે વ્રજલાલની સાથે કાશી પહોંચી અધ્યયનમાં લાગી જાય તે જ વધારે સારું છે. મહારાજશ્રીની ઇચ્છા હતી કે પંડિતજી કલકત્તા સાથે આવે અને રોકાય. કલકત્તામાં પંડિતજીના અધ્યયન માટે કોઈ સારા પંડિતને રોકવાની દરખાસ્ત પણ એમણે કરી, પરંતુ પંડિતજીએ પોતાનો નિર્ણય જણાવ્યો અને એ રીતે તેઓ કાશી પાછા ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org