________________
જ • પંડિત સુખલાલજી ન લીધી હોત તો ત્રણ વર્ષમાં વ્યાકરણમાં તેઓ જે રીતે પારંગત થઈ ગયા તેવા ન થઈ શક્યા હોત.
પાઠશાળાના મકાનમાં ચોમાસામાં છાપરામાંથી અંદર પાણી વધુ ટપકવા લાગ્યું હતું. એટલે પાઠશાળા માટે નવું મકાન લેવાની આવશ્યકતા ઊભી થઈ હતી. પરંતુ એ માટે નાણાંની જરૂર હતી. મહારાજશ્રીએ એ માટે જે ફંડ એકત્ર કર્યું હતું તેમાં શ્રી વેણીચંદ સુરચંદે સારો ઉમેરો કરી આપ્યો હતો. તદુપરાંત મુંબઈના શ્રી વીરચંદ દીપચંદ અને શ્રી ગોકુલચંદ મૂળચંદે પણ આર્થિક સહાય કરી હતી. તેઓએ કાશીમાં અંગ્રેજી કોઠી નામનું જાણીતું પાંચ માળાનું મકાન પોતાના નામે ખરીદીને પાઠશાળા ચલાવવા મહારાજશ્રીને સોંપ્યું. આ એક ઐતિહાસિક મકાન હતું કે જેમાં થિયોસોફિટ શ્રીમતી એની બેસન્ટે કાશીમાં શિક્ષણ આપવું શરૂ કર્યું હતું.
આ પાંચ માળાના નવા મકાનમાં જગ્યાની વિશાળતાને કારણે વિદ્યાર્થીઓને રહેવા તથા ભણવાની સગવડ વધી. વળી બીજી નવી નવી પ્રવૃત્તિઓ માટે પણ અવકાશ સાંપડ્યો. આ મકાનમાં ત્રીજે માળે પંડિતજીને એક રૂમ આપવામાં આવી હતી. પંડિતજીની રૂમમાં શાન્તિલાલ કસ્તુરચંદ ઉપરાંત પોપટલાલ નામના એક વિદ્યાર્થી હતા. પંડિતજીને એમની સાથે સારો મનમેળ થયો હતો. પરંતુ પોપટલાલને વાતાવરણ ફાવતું નહિ. વળી તેમને શ્રમ ભરેલા શાસ્ત્રાભ્યાસને બદલે યોગાભ્યાસમાં વિશેષ રસ હતો. તેઓ પંડિતજીને ખાનગીમાં કહેતા કે “સુખલાલભાઈ, સંસ્કૃત ભણવામાં ઘણી માથાકૂટ છે. મને એમાં જરાય રસ પડતો નથી. આના કરતાં યોગાભ્યાસ સાવ સહેલો છે. માટે ચાલો આપણે વતનમાં પાછા જઈને ત્યાં યોગાભ્યાસ કરીએ.” પંડિતજી પણ જ્યારે વતનમાં હતા ત્યારે એમને ગિરનારમાં જઈને યોગાભ્યાસ કરવાની ઇચ્છા થયેલી. એટલે યોગાભ્યાસની વાત સાંભળીને એમનું મન પીગળ્યું. એ માટે મનોમંથન ચાલ્યું. પણ છેવટે સમગ્રપણે વિચારતાં તેમને લાગ્યું કે એમ પાઠશાળા અને વ્યાકરણનો અભ્યાસ છોડીને દેશમાં ચાલ્યા જવાનું યોગ્ય નથી. એટલે તેઓ પોપટલાલની સાથે વતનમાં પાછા ન જતાં કાશીમાં જ રોકાયા.
પંડિતજીની સાથે કાશીની એ પાઠશાળામાં ભણવા માટે વઢવાણવાળા ઉજમશી માસ્તર અને એમના ભાઈ ખીમચંદ માસ્તર આવ્યા હતા. તદુપરાંત મઢડાવાળા શિવજી દેવશી હતા. એમની સાથે એમના બે કચ્છી સહચારીઓ હતા. પંડિત બેચરદાસ, પંડિત હરગોવિંદદાસ, પંડિત શાન્તિલાલ કસ્તુરચંદ વગેરે પણ હતા. પંડિતજીની એક બાજુની રૂમમાં શ્રી મોહનવિજયજી મહારાજ અને બીજી બાજુની રૂમમાં શ્રી અમીવિજયજી મહારાજ હતા. પંડિતજી અંધ હતા એટલે બધા એમની સંભાળ બરાબર રાખતા. એમાં પણ વઢવાણવાળા ઉજમશી માસ્તર અને એમના ભાઈ તો સ્વજનની જેમ જ પંડિતજીનું ધ્યાન રાખતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org