________________
ધર્મક્ષેત્રના વિવિધ અનુભવો. ૩૫
લીમલી ગામમાં થઈને જતાંઆવતાં લગભગ તમામ સાધુસાધ્વીઓના પરિચયમાં આવવાની પંડિતજીને સારી તક મળતી, કારણ કે અંધ હોવાને કા૨ણે તેઓ ઉપાશ્રયમાં પૂરો સમય આપી શકતા હતા. ઈ. સ. ૧૯૦૦ના અરસામાં તેઓ બાળકૃષ્ણજી નામના એક જૈનસાધુના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સાયલા સંઘાડાના હતા, પણ પછીથી. તેઓ પોતાના સમુદાયથી છૂટા થઈ એકલા વિચરતા હતા. તેમને યોગસાધનાનો નાદ લાગ્યો હતો. એટલે તેઓ હિન્દુ સંન્યાસી બાવાઓનો સંગ કરતા. તેઓ ક્યારેક ગામમાં ઉપાશ્રયમાં ઊતરતા તો ક્યારેક ગામબહારની ધર્મશાળામાં બીજા ધર્મના બાવાઓ સાથે પણ રહેતા. તેમનો કંઠ મધુર હતો. તેઓ આનંદઘનજી, ચિદાનંદજી વગેરે જૈન સંતો ઉપરાંત કબીર અને દાદુપંથી સંતોનાં પદો લલકારતા. તેઓ ગિરનારમાં વસતા સાધુસંન્યાસીઓની વાતો કરતા. એમની સાથે પરિચય ગાઢ થતાં પંડિતજીને યોગસાધનાનો નાદ લાગ્યો હતો. આથી બાળકૃષ્ણજી તેમને ગિરનાર લઈ જવા ઇચ્છતા હતા. પંડિતજી સાથેનો પરિચય ગાઢ થાય એ માટે તેમણે એક ચાતુર્માસ લીમલીમાં પણ કર્યું. તેઓ બંનેની ઇચ્છા ગિરનારમાં જઈ ત્યાં ગુફામાં રહેતા ચિદાનંદજી મહારાજને શોધી કાઢી, એમની પાસે રહેવાની હતી. પરંતુ એ ચાતુર્માસ દરમિયાન જ પંડિતજીને વઢવાણમાં ઉત્તમચંદજી મહારાજ પાસે સંસ્કૃત વ્યાકરણ શીખવા માટે જવાનું થયું. એટલે ગિરનાર જવાની એમની ઇચ્છા મુલતવી રહી હતી.
પંડિતજી જ્યારે વઢવાણ કેમ્પમાં રહેતા હતા ત્યારે તેઓ કેવળ જિજ્ઞાસાથી જૈન મંદિરમાં દર્શન કરવા પણ જતા. તેઓ કુળધર્મથી સ્થાનકવાસી સંપ્રદાયના હતા, છતાં નવું જોવાજાણવાની ઇચ્છા એમને પ્રબળ રહેતી. સ્થાનકવાસી સંપ્રદાય મૂર્તિપૂજાનો વિરોધ શા માટે કરે છે તે વિશે જાણવા પણ તેઓ ઉત્સુક હતા. એ વખતે વઢવાણમાં પાઠશાળામાં ધાર્મિક શિક્ષક તરીકે ઉજમશી માસ્તર હતા. પંડિતજીને એમની સાથે પરિચય થયો હતો. તેઓ મૂર્તિપૂજક સંપ્રદાયના હતા. પંડિતજીને મૂર્તિપૂજા વિશે તેઓ સમજાવતા. બીજી બાજુ પંડિતજી સ્થાનકવાસી સાધુ મહારાજ પાસે જતા. તેઓ તેમને મૂર્તિપૂજાની વિરુદ્ધ સમજાવતા. આમ છતાં પંડિતજીએ મંદિરમાં જવાનું ચાલુ રાખેલું. તે અંગે સગાંઓ કે જ્ઞાતિજનો વાંધો ઉઠાવતા નહિ. બીજી બાજુ મૂર્તિપૂજકો પંડિતજીનો દાખલો આપીને બોલતા કે જુઓ સુખલાલ જેવો શાસ્ત્રનો જાણકાર પણ મંદિરે આવે છે. તો શાસ્ત્રોમાં મૂર્તિની માન્યતા હોવી જ જોઈએ.' અલબત્ત, પંડિતજીની મૂર્તિપૂજા વિશેની વિચારધારા એ દિવસોમાં એટલી સ્પષ્ટ નહોતી, તોપણ તેઓ સ્થાનકવાસી હોવા છતાં મૂર્તિપૂજામાં માનતા થઈ ગયા હતા. કાશી ગયા પછી તો મૂર્તિપૂજા વિશે શાસ્ત્રીય આધાર સહિત તેમની માન્યતા વધુ દૃઢ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org