________________
VI ૧૯૫૫માં એક વર્ષને માટે મુંબઈ છોડીને અમદાવાદમાં શરૂ થતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરવાનું મારે માટે નક્કી થયું. એથી એ વર્ષ દરમિયાન અગવડો મને સૌથી મોટો લાભ થયો હોય તો તે પંડિતજી અને પ. પૂ. પુણ્યવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનો અને તેમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાનો. પંડિતજીના વત્સલ સ્વભાવનો ત્યારે ગાઢ પરિચય થયો હતો.
અમદાવાદ પહોંચતાંની સાથે પંડિતજીને “સરિતકુંજમાં એમના નિવાસસ્થાને હું મળવા ગયો. પૂછ્યું, “કંઈ કામ હોય તો કહો'. પંડિતજીએ કહ્યું: “સાંજે ફરવા જવું છે, તમને સમય હોય તો આવો.’ હું સાંજે પંડિતજીને ફરવા લઈ ગયો. પછી તો રોજ સાંજે એમને ફરવા લઈ જવાનો કાર્યક્રમ નિશ્ચિત બની ગયો. જેમ જેમ સમય વધુ મળતો ગયો તેમ તેમ ફરવા જવાના કાર્યક્રમ ઉપરાંત કલાક-બે કલાક પંડિતજી પાસે બેસીને તેમને જે વાંચવું હોય તે વાંચવાનો કાર્યક્રમ પણ ચાલ્યો. રોજ સાંજે ઘણુંખરું તેઓ હળવું વાંચતા. છાપાંઓ, સામયિકો વગેરે જે આવ્યાં હોય તે એમણે ગોઠવીને રાખ્યાં હોય. એક પછી એક હું લેતો જાઉં, પ્રથમ શીર્ષક વાંચી સંભળાવું. જો એ વિષયનું લખાણ મારે વાંચવાનું હોય તો તેઓ વાંચવા માટે સૂચન કરતા. “જન્મભૂમિ', પ્રબુદ્ધ જીવન” અને “સંસ્કૃતિ એ ત્રણ તેઓ વધારે વંચાવતા. એ સમયે પંડિતજી માટે વાંચેલા પુસ્તકોમાંનાં બે વિશેષ યાદ છે. એક તો મહામહોપાધ્યાય કાણેનું ધર્મશાસ્ત્રના ઇતિહાસ વિષેનું અંગ્રેજી પુસ્તક. એ વાંચવા માટે સાથે અંગ્રેજી શબ્દકોશ લઈને બેસતો, કારણ કે પોતાને ખબર ન હોય તેવો એક પણ અંગ્રેજી શબ્દ પંડિતજી ચૂકવા ન દેતા. અંગ્રેજી ભાષાનો પોતે વ્યવસ્થિત અભ્યાસ કર્યો ન હોવા છતાં, એ ભાષાની તેઓ કેવી સારી જાણકારી ધરાવે છે તેની તે સમયે પ્રતીતિ થતી. બીજું પુસ્તક તે ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા. તે સમયે નવું જ બહાર પડેલું તે પુસ્તક હતું. એ પુસ્તકમાં આઝાદીની લડતના અને ગાંધીજી સાથેના કેટલાયે જાહેર અને અંગત પ્રસંગોનું તેમજ ઇંદુલાલના પોતાના અંગત જીવનના એકરારભર્યા કેટલાક પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. તે વાંચતાં પંડિતજી કેટલીયે વાર અસ્વસ્થ થઈ જતા, આંખમાંથી આંસુ ટપકતાં. કોઈ વાર ગળગળા થઈ જતા અને કહેતા કે “બસ, હમણાં હવે વાંચવાનું બંધ રાખો.”
રજાના દિવસો હોય ત્યારે પંડિતજી પાસે વાંચવા માટે સવારે અથવા બપોરે પણ જતો. એમનો નોકર સરજુ અથવા માધુ અમારા બંને માટે ચા બનાવી લાવતો. જ્યારે ગંભીર વાચન ચાલતું હોય અને તે સમયે પંડિતજીને કોઈ મળવા આવ્યું હોય ત્યારે તેઓ લાંબી વાત કરતા નહિ. એકાદ મિનિટમાં પતાવી, મને આગળ વાંચવાની સૂચના કરતા, એટલે આવનાર વ્યક્તિ તરત સમજી જતી. વિદ્યાભ્યાસના સમયમાં મુલાકાતીઓ ખલેલ પહોંચાડે તે એમને ગમતું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org