________________
૧૯૮ છે
સમરું પલપલ સુરત નામ
આમ ને આમ રાત પડી, ને જોતજોતામાં મધરાત થવા આવી. બરાબર તે વખતે પેલો વાયુકુમાર પાછો ત્યાં આવ્યો, અને કુમારના કાન આગળ મોં ગોઠવીને કહેવા લાગ્યો : કુમારશ્રી! અહીંથી નીકળ્યા પછી હું સૂર્યાસ્ત વેળાએ સુદર્શનની છાવણીમાં પહોંચી ગયો. ત્યાં હિલચાલ ચાલુ જ હતી. મેં જોયું કે સેનાપતિ નરસિંહ સુદર્શનને મળવા જઈ રહ્યા છે, એટલે હું પણ તેની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયો. એ છાવણીમાં મારા માટે કોઈને હજી શંકા નથી ગઈ, એટલે મને જવા પણ દીધો. - નરસિંહે સુદર્શનને નિવેદન કર્યું કે કુમાર આપની આજ્ઞાનુસાર મેં આપણી સેનાને ત્રણ વિભાગમાં વહેંચી દીધી છે, માત્ર હાથીઓનું સૈન્ય યથાવતુ રાખ્યું છે. ટુકડીઓ સજ્જ છે. હવે આપ આજ્ઞા કરો ત્યારે અમે નીકળીએ.
ત્યારે સુદર્શને તેને હસતાં હસતાં કહ્યું : નરસિંહ! બહુ મજાના સમાચાર છે. હમણાં જ આપણા ગુપ્તચર દ્વારા મળેલી બાતમી મુજબ શ્રીવર્ગ તો નકરો બેફિકર બનીને વજાયુધા દેવીના પ્રાંગણમાં જલસા માણી રહ્યો છે. તેની સેના ક્યાં છે ને શું કરે છે તેનું પણ તેને ભાન નથી. તો બીજી તરફ ધણી વિનાનાં ઢોર સૂનાં એ ઉક્તિ મુજબ તેની સેનાના માણસો પણ વેરવિખેર રખડી રહ્યા છે. સૌ બાપાના બગીચામાં ટહેલવા કે ઉજાણીએ નીકળ્યા હોય તેમ, કોઈને જણાવ્યા વિના કે પછી “અમે સવારે સૂર્યોદય આસપાસ આવી જઈશું' એમ કહી કહીને ઘૂમવા નીકળી ગયા છે. એટલે તેનું સૈન્ય પણ અત્યારે અસ્તવ્યસ્ત છે.
એટલે નરસિંહ ! તારે ગમે તે ક્ષણે તેની છાવણી પર ધાડ મારવી હોય તો આજે મારી શકાય છે. પણ મારી એક પ્રબળ ઈચ્છા છે કે શ્રીવર્ગને પણ જો પકડી લવાય તો મજા આવી જાય. અને એ અત્યારે દેવીના મંદિરમાં છે–ત્યાં સુધી આપણે કાંઈ કરી ન શકીએ. એક કામ કર; રાત્રિના છેલ્લા પ્રહરે આ જલસો પૂરો થતાં જ શ્રીવર્ગ ત્યાંથી નીકળીને પોતાની છાવણી પર અવશ્ય જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org