________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૩
૩૨૯,
એટલે ભારતીય સંસ્કૃતિનું સર્વસ્પર્શી આકલન ત્યારે જ થઈ શકે, જ્યારે બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ એ ત્રણેનાં તત્ત્વજ્ઞાન, આચાર, સંસ્કૃતિ (જીવનપદ્ધતિ), સાહિત્ય અને ઇિતિહાસનું તલસ્પર્શી અને વ્યાપક આકલન કરવામાં આવે.
એટલે ભારતમાંની કોઈ પણ યુનિવર્સિટીમાં દેશ-વિદેશમાં વિકસેલા ગમે તે અને ગમે તેટલા વિષયોના ઉચ્ચ અધ્યયન-અધ્યાપનની જોગવાઈ કરવામાં આવે, પણ જો એમાં ભારતીય સંસ્કૃતિના સર્વાગીણ અધ્યયન-અધ્યાપનની પૂરેપૂરી જોગવાઈ કરવામાં ન આવે, તો એ એની મોટામાં મોટી ઊણપ લેખાય.
આ દૃષ્ટિએ દરેક ભારતીય યુનિવર્સિટીએ વૈદિક એટલે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિઓના ઊંડા અધ્યયન-અધ્યાપનની જોગવાઈ કરવી એ એની પહેલામાં પહેલી ફરજ બને છે. પરદેશની કોઈકોઈ યુનિવર્સિટી પોતાને ત્યાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિના અધ્યયન-અધ્યાપનની જોગવાઈ રાખે છે અને નાણાંની તંગી તેમ જ વિદ્યાર્થીઓની પાંખી સંખ્યા છતાં એ વિભાગને ટકાવી રાખે છે. આ બીના આપણી યુનિવર્સિટીઓ માટે આ બાબતમાં માર્ગદર્શક અને પ્રેરક બને એવી છે.
પણ, આપણી યુનિવર્સિટીઓમાં વૈદિક સંસ્કૃતિના અધ્યયન-અધ્યાપનની સગવડની સરખામણીમાં શ્રમણ-સંસ્કૃતિના અધ્યયન-અધ્યાપનની જે સગવડ જોવામાં આવે છે, તે દુઃખ અને નિરાશા ઉપજાવે એવી છે; એમાં ય જૈન સંસ્કૃતિના અધ્યયનઅધ્યાપનની જોગવાઈ તો નહિવત્ છે. બનારસ હિંદુ યુનિવર્સિટી જેવી એકાદ યુનિવર્સિટીમાં જૈન ચેરની વ્યવસ્થા થઈ છે તે પણ કંઈ યુનિવર્સિટીએ પોતે નહિ, પણ જૈનો તરફથી મળેલી સખાવતથી જ કરી છે. એ સિવાયની બીજી કોઈ યુનિવર્સિટીમાં જૈન ચૅરની સ્થાપના કે જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગોનો ઉચ્ચ અભ્યાસ થઈ શકે એવી કોઈ ગોઠવણ નથી થઈ એ જોઈને ખૂબ ખેદ ઊપજે છે, અને સહેજે પૂછવાનું મન થઈ જાય છે કે આ બાબત તરફ યુનિવર્સિટીના અધિકારીઓ આટલા બધા ઉદાસીન કે ઉપેક્ષાભાવવાળા કેમ છે. હવે જ્યારે ઠેરઠેર જૈન સંસ્કૃતિના કોઈ ને કોઈ અંગનો ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે તો આવો પ્રશ્ન સવિશેષ ઊઠે છે.
બીજાબીજા વિષયોનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં જૈન સંસ્કૃતિનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એ વાત સ્વીકારવામાં હરકત નથી. પણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા એ કંઈ ઉપરના સવાલનો સંતોષપ્રદ જવાબ કે ઉદાસીનતાનો બચાવ ન હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org