________________
કરોડ રૂપિયાની કિંમતે એક સામાયિક મળે નહિ અને એક સામાયિકના પ્રતાપે કરોડ વર્ષના દેવતાઈ સુખ નક્કી મળે. તે છતાંય આપણને શું ગમે ? શાલિભદ્ર કે પુણિયો ? સંપત્તિ માટે શાલિભદ્ર અને સામાયિક માટે પુણિયા બનવાનું પસંદ કરીએ. અમાપ ફળને આપનાર આ સામાયિકની મહત્તા જો કોઈ ના સમજે તો એ એનું ભોળપણ છે.
સામાયિક શું છે? સામાયિક સંસ્કૃત શબ્દ છે. પ્રાકૃતમાં સામાઈઅ છે. સમભાવનો લાભ આપનાર સામાયિક છે. પર ભાવમાં રહેલા આપણને સ્વભાવ અને સમભાવ તરફ દોરી જનાર યોગ છે. સામાયિક એટલે એકલપંડે મૌન આત્માલાપ-વાર્તાલાપ. આપણી આત્મ-સંપત્તિ ખોવાઈ નથી. ભુલાઈ ગઈ છે. સામાયિક ખોજ છે, શોધ છે. સામાયિક કહે છે ખોવાઈ જાઓ. જડી જશે. જે ચીજ હકીકતમાં આપણી ન હોય એ ચીજ ખોવાઈ જવાનો સંભવ છે. અવરને નહિ, તું તને જ મળ. અંદર ખોવાઈ જતાં અંદર અંતરનાં દ્વાર ખૂલી જશે. સામાયિક ખજાનો ખોલવાની માસ્ટર કી છે.
જેઓ પણ આ અગાઉ મોક્ષે ગયા છે. આજે પણ જેઓ મોક્ષે જઈ રહ્યા છે. અને ભવિષ્યમાં મોક્ષે જશે. આ તમામ એકમાત્ર સામાયિકનો જ પ્રભાવ છે. “નવમો નવ નિધિ જાણીએ સામાયિક વ્રતસાર.”
તીર્થંકર ભગવાન દીક્ષા લેતાં “કરેમિ સામાયિય”નો ઉચ્ચાર કરે છે. સામાયિક શ્રાવકશ્રાવિકાના છ આવશ્યકોમાંનું એક આવશ્યક છે. શ્રાવકના બાર વ્રતમાંનું નવમું સામાયિક વ્રત છે. દેશવિરતિમાંથી સર્વવિરતિ જીવનમાં જવાનું પ્રવેશદ્વાર સામાયિક છે. સાધુજીવનનો આંશિક આનંદ સામાયિક ધર્મથી ચાખવા મળે છે. જ્યાં સુધી આપણે સામાયિકમાં છીએ ત્યાં સુધી આપણે સાધુ જેવા છીએ. સાધુ ભગવંતોને આજીવન અખંડ સામાયિક હોય, શ્રાવક જીવનમાં ૪૮ મિનિટનું સામાયિક છે. સામાયિકમાં સત્ત્વ ઘણું અને મહત્ત્વ એનું અપરંપાર છે. સામાઈયં સંખેવો ચોદસ્ય પુવસ પિંડોત્તિ સામાયિક નામનું વ્રત ચૌદ પૂર્વનો સારભૂત પિંડ છે. સામાયિક એ જીવનની નોરવેલ છે, જીવતરનાં ઝેર ઉતારવાનું એનું કામ છે.
મૂળને સિંચન મળતાં વૃક્ષનો વ્યાપ વ્યાપક બનતો જાય છે. વૃક્ષને ઉપર ઊઠવા એના મૂળને વધારે ને વધારે નીચે જવું પડે છે. સીધે સીધા ઉપર ઊઠવાનો કોઈ ઉપાય નથી. સામાયિકની સાધના ઊંડાણ છે. ઊંડાણ વધતું ચાલે ઊંચાઈનો સ્પર્શ થતો ચાલશે. સાધકને સામાયિક સાધના દ્વારા અંદર ઊતરવા પૂર્વક સિદ્ધિનો સ્પર્શ કરાવી આપનાર સામાયિક અનોખો યોગ બની રહેશે.
અકારણ અસ્વસ્થ અને અસ્પષ્ટ મન મગજ પરના ચિંતાના ઉઝરડા ઓછા કરવા, ઉપાધિના જંગલ વચ્ચે સમભાવ અકબંધ રાખવા, સમગ્ર અસ્તિત્વમાંથી કંઈક નક્કર આતમગમતો ઘાટ ઘડવા, સમતા અને સમતુલા બંને ખોઈ બેસીએ ત્યારે પુનઃ સ્વસ્થતા અને તટસ્થતા મેળવી આપનાર સામાયિકનું મહત્ત્વ અને મહત્તા સમજી એના પ્રત્યે મમત્વ જગાવીએ એ જ માત્ર ઇચ્છા.
સૌજન્ય : શ્રી પોપટલાલ નગીનદાસ શાહ, પાટણ
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org