Book Title: Vachanamrut 0937 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/331063/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 937 પરમકૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય વિવાણિયા, અસાડ સુદ 1, ગુરુ, 1956 પરમકૃપાળુ મુનિવરોને નમસ્કાર સંપ્રાપ્ત થાય. નડિયાદથી લખાયેલું પત્ર આજે અત્ર સંપ્રાપ્ત થયું. જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષોને હોતો નથી. બીજા ક્ષેત્ર કરતાં બોરસદ અનુકૂળ જણાય તો ત્યાં ચાતુર્માસની સ્થિતિ કર્તવ્ય છે. બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીનો અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, ‘પદ્મનંદી’ આદિ શાસ્ત્રાવલોકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા યોગ્ય છે. કોઈ બાઈ ભાઈ ક્યારેક કંઈ પ્રશ્નાદિ કરે તો તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેનો આત્મા શાંત થાય. અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્ય જવી. ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સન્શાસ્ત્રઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં. અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. આ પત્ર પરમકૃપાળુ શ્રી લલ્લુજીમુનિની સેવામાં પ્રાપ્ત થાય. ૐ શાંતિઃ