Book Title: Vachanamrut 0915 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/331041/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 915 તમે લખેલો કાગળ મુંબઈ આવ્યો હતો ધર્મપુર, ચૈત્ર વદ 6, શુક્ર, 1956 ૐ નમઃ મુમુક્ષુઓ, તમે લખેલો કાગળ મુંબઈ આવ્યો હતો. અત્ર વીસ દિવસ થયાં સ્થિતિ છે. કાગળમાં તમે બે પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. 1. ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ઉપશમસમ્યત્વ સંભવે છે. 2. ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંત ભોગઉપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે, તથાપિ પુદગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિક ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે. તરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે, તે અનંતદાનલબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિતમાત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંતલાભલબ્ધિ કહેવા યોગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગઉપભોગલબ્ધિ કહેવા યોગ્ય છે, તેમ જ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિતમાત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળસહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા યોગ્ય છે. સાયિકભાવની દ્રષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તો અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદગલ દ્રવ્યરૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમપુરુષમાં સંપૂર્ણ વીતરાગસ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃતભાવથી નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ