Book Title: Vachanamrut 0782 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330908/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 782 આર્ય શ્રી સોભાગે જેઠ વદ 10 ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે મુંબઇ, જેઠ વદ 12, શનિ, 1953 આર્ય શ્રી સોભાગે જેઠ વદ 10 ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂકયાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે, તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણોના અદભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે, અને થવા યોગ્ય છે. તેમના તમારા પ્રત્યેના સંસારી વડીલપણાનો ખેદ વિસ્મરણ કરી, તેમણે તમારા સર્વે પ્રત્યે જે પરમ ઉપકાર કર્યો હોય તથા તેમના ગુણોનું જે જે અભુતપણું તમને ભાસ્યું હોય તેને વારંવાર સંભારી, તેવા પુરુષનો વિયોગ થયો તેનો અંતરમાં ખેદ રાખી તેમણે આરાધવા યોગ્ય જે જે વચનો અને ગુણો કહ્યાં હોય તેનું સ્મરણ આણી તેમાં આત્માને પ્રેરવો, એમ તમો સર્વ પ્રત્યે વિનંતિ છે. સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજ ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે. મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, અને તેમના અદભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે. શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષશોક થવા યોગ્ય નથી, તોપણ એમ જણાય છે કે પુરુષના સમાગમની પ્રાપ્તિથી કંઇ પણ હર્ષ અને તેમના વિયોગથી કંઇ પણ ખેદ અમુક ગુણસ્થાનક સુધી તેમને પણ થવા યોગ્ય છે. ‘આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સદગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #2 -------------------------------------------------------------------------- _