Book Title: Vachanamrut 0774 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330900/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 774 શુભ બંધ મોળો હોય અને તેને કોઇ અશુભ (1) શુભ બંધ મોળો હોય અને તેને કોઇ અશુભ કર્મનો ભોગ બને તો શુભ બંધ મૂળ મોળો હોય તેના કરતાં વધારે મોળો થાય છે. (2) શુભ બંધ મોળો હોય અને તેમાં કોઇ શુભ કર્મયોગનું મળવું થાય તો મૂળ કરતાં વધારે દ્રઢ થાય છે અથવા નિકાચિત થાય છે. (3) કોઇ અશુભ બંધ મોળો હોય અને તેને કોઇ એક શુભ કર્મનો ભોગ બને તો મૂળ કરતાં અશુભ બંધ ઓછો મોળો થાય છે. (4) અશુભ બંધ મોળો હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તો અશુભ બંધ વધારે મજબૂત થાય છે અથવા નિકાચિત થાય છે. (5) અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. (6) શુભ કર્મબંધનું ફળ શુભ થાય અને અશુભ કર્મબંધનું ફળ અશુભ થાય. બન્નેનાં ફળ તો થવાં જ જોઇએ, નિષ્ફળ ન થઇ શકે. રોગ વગેરે છે તે ઓસડથી ટળી શકે છે તેથી કોઇને એમ લાગે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે, એટલે કે અશુભથી શુભ થઇ શકે છે; આવી શંકા થાય એવું છે; પણ એમ નથી. એ શંકાનો ખુલાસો નીચે પ્રમાણે છે :-- કોઇ એક પુદગલના પરિણામથી થયેલી વેદના (પુદગલવિપાકી વેદના) તથા મંદ રસની વેદના કેટલાક સંજોગોથી ટળી શકે છે અને કેટલાક સંજોગોથી વધારે થાય છે અથવા નિકાચિત થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પુદગલરૂપી ઓસડ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે; બાકી ખરી રીતે જોતાં તો તે બંધ પૂર્વથી જ એવો બાંધેલો છે કે, તે જાતના ઓસડ વગેરેથી ટળી શકે. ઓસડ વગેરે મળવાનું કારણ એ છે, કે અશુભ બંધ મોળો બાંધ્યો હતો; અને બંધ પણ એવો હતો કે તેને તેવાં નિમિત્ત કારણો મળે તો ટળી શકે પણ તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગનો નાશ થઇ શક્યો; અર્થાત પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું. પાપવાળાં ઓસડની ઇચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાવા યોગ્ય છે અને તે પાપવાળી ક્રિયાથી કંઇ શુભ ફળ થતું નથી. એમ ભાસે, કે અશુભ કર્મના ઉદયરૂપ અશાતાને તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું, તો તે સમજવા ફેર છે; અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્તધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે પુગલવિપાકી’ એટલે જે કોઇ બહારના પુદ્ગલના સમાગમથી પુગલ વિપાકપણે ઉદય આવે અને કોઇ બાહ્ય પુગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુફેરથી તે નાશ થાય છે, અથવા કોઇ ગરમ ઓસડ વગેરેથી નિવૃત્ત થાય છે. નિશ્ચયમુખ્યદ્રષ્ટિએ તો ઓસડ વગેરે કહેવામાત્ર છે. બાકી તો જે થવાનું હોય તે જ થાય છે.