Book Title: Vachanamrut 0768
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330894/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 768 શુભેચ્છાયુક્ત શ્રી કેશવલાલ પ્રત્યે વિવાણિયા,ચૈત્ર સુદ 4, સોમ, 1953 શુભેચ્છાયુક્ત શ્રી કેશવલાલ પ્રત્યે, શ્રી ભાવનગર. કાગળ પ્રાપ્ત થયો છે. આશંકાનું સમાધાન આ પ્રમાણે છે : એકેંદ્રિય જીવને અનુકૂળ સ્પર્શાદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે મૈથુન સંજ્ઞા' છે. એકેંદ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહાદિ સાધનમાં અવ્યક્ત મૂર્છારૂપ પરિગ્રહ-સંજ્ઞા' છે. વનસ્પતિ એકેંદ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ આઠે જીવના ઉપયોગરૂપ હોવાથી અરૂપી કહ્યાં છે. જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલો છે, કે જે જ્ઞાન સમકિતસહિત છે તેને જ્ઞાન કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તેને અજ્ઞાન કહ્યું છે. પણ વસ્તુતાએ બન્ને જ્ઞાન છે. ‘જ્ઞાનાવરણીયકર્મ અને અજ્ઞાન' એક નથી, ‘જ્ઞાનાવરણીયકર્મ' જ્ઞાનને આવરણરૂપ છે, અને અજ્ઞાન' જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે. ‘અજ્ઞાન' શબ્દનો સાધારણ ભાષામાં જ્ઞાનરહિત અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ; પણ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે, એટલે તે દ્રષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે. એમ આશંકા થાય કે જો અજ્ઞાન અરૂપી હોય તો સિદ્ધમાં પણ હોવું જોઈએ; તેનું સમાધાન આ પ્રમાણે છે:- મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ 'અજ્ઞાન કહ્યું છે, તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતાસહિત સિદ્ધ ભગવંતમાં વર્તે છે. સિદ્ધનું, કેવળજ્ઞાનીનું અને સમ્યદ્રષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત છે. મિથ્યાત્વ જીવને ભ્રાંતિરૂપે છે. તે ભાંતિ યથાર્થ સમજાતાં નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. મિથ્યાત્વ દિશાભ્રમરૂપ છે. શ્રી કુંવરજીની જિજ્ઞાસા વિશેષ હતી, પણ કોઈ એક હેતુવિશેષ વિના પત્ર લખવાનું હાલ વર્તતું નથી. આ પત્ર તેમને વંચાવવાની વિનંતિ છે.