Book Title: Vachanamrut 0711 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330833/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 711 બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા રાળજ, ભાદ્રપદ, 1952 બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ પાંચ આસ્તિક દર્શનો એટલે બંધમોક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શનો છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે, સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે, સહજ ભેદ છે તેથી તે દર્શન જુદાં ગવળ્યાં નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે; તથાપિ મીમાંસા શબ્દથી બેયને ઓળખાણ થાય છે. તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં, પૂર્વમીમાંસાનું ‘જૈમિની’ અને ઉત્તરમીમાંસાનું ‘વેદાંત’ એમ નામ પણ પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે; અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે. આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠ્ઠું દર્શન છે. બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છેઃ-૧. સૌત્રાંતિક, 2. માધ્યમિક, 3. શૂન્યવાદી અને 4. વિજ્ઞાનવાદી. તે જુદે જુદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે. જૈનદર્શનના સહજ પ્રકારમંતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર, પાંચે આસ્તિક દર્શનને જગત અનાદિ અભિમત છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વમીમાંસાને અભિપ્રાયે સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે. વેદાંતને અભિપ્રાયે આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષવિશેષ છે. બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. શૂન્યવાદી બૌદ્ધને અભિપ્રાયે વિજ્ઞાનમાત્ર છે; અને વિજ્ઞાનવાદી બૌદ્ધને અભિપ્રાયે દુઃખાદિ તત્વ છે. તેમાં વિજ્ઞાન સ્કંધ ક્ષણિકપણે આત્મા છે. નૈયાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાન્નિધ્યથી જ્ઞાન ઊપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે. તે નિત્ય, અપરિણામી અને ચિત્માત્ર સ્વરૂપ છે. જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂર્વમીમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે. ઉત્તરમીમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે.