Book Title: Vachanamrut 0687 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330809/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 687 કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ મુંબઈ, વૈશાખ સુદ 1, ભોમ, 1952 ઘણા દિવસ થયાં હાલ પત્ર નથી, તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ, કેટલાક વખત થયાં ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી. કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ન (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું તેના લક્ષમાં રહે ? સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષીણ થયું છે, “અનંતાનુબંધી’ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાની પુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો.