Book Title: Vachanamrut 0677 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330798/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 677 સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી મુંબઈ, ચૈત્ર સુદ 1, રવિ, 1952 કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિષે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો : પ્રારબ્ધોદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે, તે પ્રત્યે દ્રષ્ટિ દેતાં જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તવાનું થાય છે, તેમ વધારે યોગ્ય છે, એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે. આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે: (1) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યો પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાની પુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે; (2) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તે મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તોપણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી. કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતરપરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુ:સાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશય તેમ કરવા યોગ્ય છે. વધારે શું લખીએ ? જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે, અને તેને માટે સત્સંગ, સાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ? તેનો વિચાર સુગમ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ વધારે લખી શકાય એવો ઉદય હાલ અત્રે નથી, તેમ વધારે લખવું કે કહેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે, એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથી પ્રારબ્ધોદય વેદતાં જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીરણા કરીને વિશેષ લખ્યું છે. એ જ વિનંતિ.