Book Title: Vachanamrut 0674
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330795/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 674 દેહધારી છતાં નિરાવરણ જ્ઞાનસહિત મુંબઈ, ફા. વદ 3, સોમ, 1952 ૐ સગુરૂપ્રસાદ દેહધારી છતાં નિરાવરણ જ્ઞાનસહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. સર્વ કષાયનો અભાવ, દેહધારી છતાં પરમજ્ઞાની પુરુષને વિષે બને, એ પ્રકારે અમે લખ્યું તે પ્રસંગમાં ‘અભાવશબ્દનો અર્થ ‘ક્ષય’ ગણીને લખ્યો છે. જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં. બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્માપરષને વિષે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, એમ લખી આપે શંકા કરી કે જેમ મહાત્માપુરુષને જ્ઞાની પુરુષો અથવા દ્રઢ મુમુક્ષુ જીવો જાણે છે, તેમ જગતના જીવો શા માટે ન જાણે ? મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવો જાણે છે કે આ મનુષ્યાદિ છે, અને મહાત્માપુરુષો પણ જાણે છે કે આ મનુષ્યાદિ છે, એ પદાર્થો જોવાથી બેયનું જાણવું સરખું વર્તે છે, અને આમાં ભેદ વર્તે છે, તેવો ભેદ થવાનાં કયાં કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે ? એ પ્રકારે લખ્યું તેનું સમાધાન :મનુષ્યાદિને જગતવાસી જીવી જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઇંદ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇંદ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે, કેમકે તે તેના અનુભવનો વિષય છે; પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મગુણ છે, અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષતા પ્રગટ્ય, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમ્ય, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતદ્રષ્ટિ જીવો છે, તેની દ્રષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વીતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદ્રષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જગતદ્રષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! શ્રી ડુંગર આદિ સર્વ મુમુક્ષુજનને યથાયોગ્ય.