Book Title: Vachanamrut 0665 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330786/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 665 દેહાભિમાનરહિત એવા સપુરુષોને મુંબઈ, પોષ વદ 9, ગુરૂ, 1952 દેહાભિમાનરહિત એવા સપુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણે કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી. આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમક્ષ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષતા નથી, એમ પ્રાયે કહી શકાય. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવા યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી.