Book Title: Vachanamrut 0651
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330772/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 651 જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું મુંબઈ, કારતક, 1952 'જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય ‘સમજીને શમાઈ રહ્યા’ તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય ‘સમજીને સમાઈ ગયા’ તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાતર થઈ શકે છે. વાસ્તવમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહંત્વ, મમત્વ શમાવી દીધું, કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ. એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્તી છે, તે ‘આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન માયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો; અથવા જેટલે અંશે શમાયા તેટલે અંશે સમજ્યા, અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા, એટલો વિભાગાર્જ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સગુરૂની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં; જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. 1 જુઓ આંક 645. Page #2 -------------------------------------------------------------------------- ________________ અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે. ૐ ૐ ૐ ૐ