Book Title: Vachanamrut 0619 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330740/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 619 સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ મુંબઈ, અસાડ વદ 14, રવિ, 1951 નમો વીતરાગાય સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. પરમાર્થનૈષ્ઠિક શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે; અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તો સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું, તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે? તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જ્યારે જોવામાં આવતો નથી ત્યારે જે પ્રકારે સહજ બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે, અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાધ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી થોડો વખત પણ નિવૃત્તિથી કોઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવાં માતાપિતાદિના વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષોભાર્થે, તથા કંઈક બીજાઓનાં ચિત્તની અનપેક્ષાર્થે પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. તે બન્ને પ્રકાર માટે ક્યારે યોગ થાય તો સારું, એમ ચિંતવ્યાથી કંઈ યથાયોગ્ય સમાધાન થતું નહોતું. તે માટેના વિચારની સહેજ થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. સર્વ પ્રકારના અસંગ-લક્ષનો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી, દૂર રાખી, અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે. તેમાં કોઈ કારણોનો પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે :- અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતાં વવાણિયે જવાનું કરવું. ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના બને તો પાછું વળવાનું કરવું, અને ભાદરવા સુદ 10 ની લગભગ સુધી કોઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે; તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે; અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રોકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાયે અક્રિયપરિણતિ વર્તે છે, તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી; તોપણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. એ જ વિનંતિ. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ડુંગરને તથા લહેરાભાઈને યથાયોગ્ય. સહજાન્મસ્વરૂપ યથાયોગ્ય.