Book Title: Vachanamrut 0597 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330718/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પ૯૭ અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે મુંબઈ, વૈશાખ વદ 7, ગુરૂ, 1951 અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્તમાન સ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી. વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી, કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે, અને તે તે પ્રકારે સાંખ્યાદિ દર્શનોને વિષે પણ ભેદ જોવામાં આવે છે. એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેચવામાં આવે છે, સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેવું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે. સંપૂર્ણપણે અવિરોધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેનો હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે, એમ લાગે છે. સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એવો આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે, અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધ્વમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ - [અપૂર્ણ