Book Title: Vachanamrut 0592
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330713/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 592 શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી મુંબઈ, વૈશાખ સુદ, 1951 આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો. જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ છે તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. દુષમકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાયે વિરહ છે. વિરલા જીવો સમ્યફદ્રષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી, વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે.