Book Title: Vachanamrut 0583
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330704/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 583 એક આત્મપરિણતિ સિવાયના બીજા જે મુંબઈ, ચૈત્ર વદ 11, શુક્ર, 1951 એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેચવામાં આવ્યા કરે છે. ખાવાને વિષે, પીવાને વિષે, બોલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે બીજાં વ્યાવહારિક કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુ:ખ રહ્યા કરે છે. અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે, અને તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી, એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. આ જ ભવને વિષે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિષે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિષે ક્વચિત જ, મંદપણે પ્રવર્તે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડાં વર્ષો પહેલાં વાણી ઘણું બોલી શકતી, વક્તાપણે કુશળતાથી પ્રવર્તી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. થોડાં વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખનશક્તિ અતિ ઉગ્ર હતી, આજે શું લખવું તે સૂઝતાં સૂઝતાં દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે, અને પછી પણ જે કંઈ લખાય છે, તે ઇચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી; અર્થાત એક આત્મપરિણામ સિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે; અને જે કંઈ કરાય છે તે જોવા જોઈએ તેવા ભાનના સોમા અંશથી પણ નથી થતું. જેમ તેમ અને જે તે કરાય છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કંઈક ઠીક છે, જેથી કંઈ આપને પૂછવાની ઇચ્છા હોય, જાણવાની ઇચ્છા હોય તેના વિષે સમાગમ કહી શકાશે. કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. નામનું જેને દર્શન હોય તે બધા સમ્યકજ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી.