Book Title: Vachanamrut 0570 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330691/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે મુંબઈ, ફાગણ વદ 5, શનિ, 1951 સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી ડરબન. પત્ર 1 મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. ‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે’, આત્મા કર્મનો કર્તા છે’, ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારક્લેશથી નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ. 1 મહાત્મા ગાંધીજી 2 મહાત્મા ગાંધીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ આ૦ સ્વ૦ પ્રણામ.