Book Title: Vachanamrut 0566
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330687/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પડ૬ અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ મુંબઈ, ફાગણ સુદ 13, 1951 અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પ કાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે ? સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા બ્રેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી, અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી, પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે, અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ, ત્યારે તેનો વિશેષ વિચાર કયા પ્રકારે કરવો ?