Book Title: Vachanamrut 0551
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330672/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 551 શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ મુંબઈ, માગશર, 1951 શ્રી સોભાગ, શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન્ન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે. પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનને ચેતનપરિણામ હોય અને અચેતનને અચેતનપરિણામ હોય, એવો જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં, એમ શ્રી જિને કહ્યું છે અને તે સત્ય છે. શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની યુતિ છેઅર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ એ જ વિનંતિ. Page #2 -------------------------------------------------------------------------- _