Book Title: Vachanamrut 0547
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330668/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 547 અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી મોહમયી ક્ષેત્ર, માગશર વદ 8, બુધ, 1951 અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા એટલે આ ભવના જન્મગામમાં સાધારણ વ્યાવહારિક પ્રસંગે જવાનું કારણ છે. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતાં છુટી શકાય તેમ પણ બને, તથાપિ કેટલાક જીવોને અલ્પ કારણમાં વિશેષ અસમાધાન વખતે થવાનો સંભવ રહે; જેથી અપ્રતિબંધભાવને વિશેષ દ્રઢ કરી, જવાનો વિચાર રહે છે. ત્યાં ગયે, વખતે એક માસથી વિશેષ વખત જવાનો સંભવ છે, વખતે બે માસ પણ થાય. ત્યાર પછી પાછું ત્યાંથી વળી આ ક્ષેત્ર તરફ આવવાનું કરવું પડે તેમ છે, છતાં, બને ત્યાં સુધી વચ્ચે બેએક મહિના એકાંત જેવો નિવૃત્તિ જોગ બને તો તેમ કરવાની ઇચ્છા રહે છે, અને તે જોગ અપ્રતિબંધપણે થઈ શકે તે માટે વિચારું છું. સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયે તેમ બની શકે એટલો પ્રતિબંધ પૂર્વકૃત છે; આત્માની ઇચ્છાનો પ્રતિબંધ નથી, સર્વસામાન્ય લોકવ્યવહારની નિવૃત્તિ સંબંધી પ્રસંગનો વિચાર બીજે પ્રસંગે જણાવવો રાખી, આ ક્ષેત્રેથી નિવર્તવા વિષે વિશેષ અભિપ્રાય રહે છે, તે પણ ઉદય આગળ બનતું નથી. તોપણ અહોનિશ એ જ ચિંતન રહે છે, તો તે વખતે થોડા કાળમાં બનશે એમ રહે છે. આ ક્ષેત્ર પ્રત્યે કંઈ દ્વેષ પરિણામ નથી, તથાપિ સંગનું વિશેષ કારણ છે. પ્રવૃત્તિના પ્રયોજન વિના અત્રે રહેવું કંઈ આત્માને તેવા લાભનું કારણ નથી એમ જાણી, આ ક્ષેત્રથી નિવર્તવાનો વિચાર રહે છે. પ્રવૃત્તિ પણ નિજબુદ્ધિથી પ્રયોજનભૂત કોઈ પણ પ્રકારે લાગતી નથી, તથાપિ ઉદય પ્રમાણે વર્તવાનો જ્ઞાનીનો ઉપદેશ અંગીકાર કરી ઉદય વેદવા પ્રવૃત્તિ જોગ વેઠીએ છીએ. જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી, કે સર્વસંગ મોટા આસવ છે; ચાલતાં, જોતાં, પ્રસંગ કરતાં, સમય માત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે, અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે, તેથી અહોનિશ તે મોટા આસવરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે, અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે, તે તેથી વિશેષ પરિણામને પામી સર્વસંગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણ યોગે ઇચ્છા રહે છે. આ પત્ર પ્રથમથી વ્યાવહારિક આકૃતિમાં લખાયો હોય એમ વખતે લાગે, પણ તેમાં તે સહજમાત્ર નથી. અસંગપણાનો, આત્મભાવનાનો માત્ર અલ્પ વિચાર લખ્યો છે. આ૦ સ્વ૦ પ્રણામ.