Book Title: Vachanamrut 0542 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330663/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 542 તેમણે શ્રી ઠાણાંગસૂત્રની એક ચોભંગીનો મુંબઈ, કારતક સુદ 15, મંગળ, 1951 શ્રી સોભાગભાઈને મારા યથાયોગ્ય કહેશો. તેમણે શ્રી ઠાણાંગસૂત્રની એક ચોભંગીનો ઉત્તર વિશેષ સમજવા માગ્યો હતો તે સંક્ષેપમાં અત્રે લખ્યો છે : (1) એક, આત્માનો ભવાંત કરે, પણ પરનો ન કરે. તે પ્રત્યેકબુદ્ધ કે અશોચ્યા કેવલી. કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (2) એક, આત્માનો ભવાંત ન કરી શકે, અને પરનો ભવાત કરે તે અચરમશરીર આચાર્ય, એટલે જેને હજુ અમુક ભવ બાકી છે, પણ ઉપદેશમાર્ગના આત્માએ કરી જાણે છે, તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે; અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગવષ્યા છે; અથવા કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાનારાધન કરી પ્રારબ્ધોદયે મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્યદેહ પામી જેણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતાં પૂર્વ સંસ્કારથી, પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે, આ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમકે અંધપણે તે માર્ગ કહે છે, અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે, મહાઅનર્થ છે, એમ વિમાસમાં પૂર્વારાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાત કરે તેથી નિમિત્તરૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિષે સમાસ કર્યો હોય એમ લાગે છે. (3) પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ. (4) ચોથો ભંગ. પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે ‘અભવ્ય કે દુર્ભવ્ય’ જીવ. એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જિનાગમ વિરોધ નહીં પામે. આ માટે વિશેષ પૂછવા ઇચ્છા હોય તો પૂછશો, એમ સોભાગભાઈને કહેશો. લિ૦ રાયચંદના પ્રણામ.