Book Title: Vachanamrut 0534 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330655/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે મુંબઈ, કાર્તિક સુદ 3, બુધ, 1951 શ્રી સત્પરુષને નમસ્કાર શ્રી સૂર્યપુરસ્થિત, વૈરાગ્યચિત્ત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી મોહમયી ભૂમિથી જીવમુક્તદશાઇચ્છક શ્રી...ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારા લખેલા ત્રણ પત્રો થોડા થોડા દિવસને અંતરે પહોંચ્યાં છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દ્રઢાગ્રહ થયો છે, અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સગુરૂ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કપા કર.' એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય ‘હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ” છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થ નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. ‘યોગવાસિષ્ઠ' ની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ‘ઉત્તરાધ્યયનસૂત્ર' વિચારશો; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાથે નિવૃત્ત કરવાનું વિચારશો, કેમકે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દ્રષ્ટિ ચાલતી નથી; અને સહેજ તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરૂયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્ગે ‘યોગવાસિષ્ઠ’, ‘ઉત્તરાધ્યયનાદિ’ વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. આ૦ સ્વ૦ પ્રણામ.