Book Title: Vachanamrut 0521
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330642/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 521 પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે મુંબઈ, શ્રાવણ, 1950 પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિસહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. યોગબળસહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષસાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પરુષ હોય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદયયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને પુરુષો પ્રકાશતા નથી તે તેમનું કરુણા સ્વભાવપણું છે. જગતના જીવોનો ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ ઘણાં કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતાં તેવો પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સપુરુષો પ્રકાશતા નથી. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે, અથવા કાંઈ પ્રારબ્ધવિશેષથી સત્પરુષપણે કોઈના જાણવામાં આવ્યા, તોપણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી; અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો જ્યાં કોઈ તેવો ઉપદેશઅવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ ‘પ્રત્યક્ષ આશ્રયમાર્ગ'નો ઘણું કરીને ઉપદેશ કરતા નથી, ક્વચિત પ્રત્યક્ષ આશ્રયમાર્ગના ઠેકાણે ‘આશ્રયમાર્ગ’ એવા સામાન્ય શબ્દથી, ઘણા ઉપકારનો હેતુ દેખી, કંઈ કહે છે. અર્થાત ઉપદેશવ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિષે થોડે ઘણે અંશે પ્રતીતિ છે. તથાપિ જો કોઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે યોગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહારાદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિષે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને છે.